ખબર જગત, પોરબંદર
પોરબંદર ખાતે કોળી સેવા સમિતિ દ્વારા શનિવારના રોજ એક ભવ્ય અને વિશિષ્ટ સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે લગ્નના આયોજનની સાથે સાથે પ્રથમ વખત દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અવસરે કુલ ૧૬ નવદંપતિઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનનો આરંભ કર્યો હતો. બપોરે ૪ કલાકે વરરાજાઓનું સામૈયું અત્યંત ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાન માંડવે પધારી હતી. લગ્ન વિધિ માટે શાસ્ત્રી ગૌતમ યાજ્ઞિક આરંભડિયાએ પોતાની સેવાઓ આપી હતી. હસ્ત મેળાપ બાદ દરેક મંગલફેરા વખતે વર અને કન્યાએ એકબીજા પ્રત્યે સપ્તવચન લીધા હતા અને ત્યારબાદ પરંપરાગત રીતે કંસાર જમણની વિધિ પૂર્ણ કરી હતી.

આ મહોત્સવ માત્ર લગ્ન પૂરતો સીમિત ન રહેતા સેવા અને મનોરંજનનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો. ભાવસિંજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ તેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓની તપાસ માટેના મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. અનેક લોકોએ સ્વેચ્છાએ રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. લગ્ન વિધિ સંપન્ન થયા પછી રાસોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોરબંદર મહાનગર પાલિકાના લગ્ન નોંધણી અધિકારી પીયૂષ વાજા અને વિવેક હોદાર દ્વારા સ્થળ પર જ નવદંપતિઓને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જે એક સરાહનીય પગલું હતું.
આ કાર્યક્રમમાં અનેક સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. જેમાં પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ ગીગા ચાવડા અને તેમની ટીમમાં જગદીશ ચાવડા, કેશુ વાઢીયા, રામ ડાકી, મહેન્દ્ર બામણીયા તેમજ દિવેચા કોળી સમાજના પ્રમુખ મગન બામણીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટર હર્ષદ પ્રેમજી બામણીયા, ભદ્રકાળી ગરબી મંડળના પ્રમુખ રામજી છગન બામણીયા, તળપદા કોળી સમાજના આગેવાનો અને માધવપુરના સરપંચે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સર્વ જ્ઞાતિના લોકોએ આ પ્રસંગમાં વ્યવસ્થા જાળવવા માટે સ્વેચ્છાએ સહયોગ આપ્યો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાખા મોકરીયા અને હિતેશ ચુનીલાલ વાજા છેલ્લા છ મહિનાથી રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. તેમની સાથે રવિ મકવાણા, પરેશ મકવાણા, વિજય બોરસીયા, મહેશ ભુવા, હેમંત મોકરીયા, મનોજ મકવાણા, અરવિંદ વાળા, રમેશ લુદરિયા અને અશોક બારોટ જેવા કાર્યકરોએ તન અને મનથી સહયોગ આપીને આ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. વર અને કન્યાના પરિવારોએ આયોજકોની કામગીરીના મ્હોફાટ વખાણ કરી ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો થતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. આયોજક ટીમ દ્વારા આ સફળતા બદલ તમામ સહયોગીઓ અને સમાજના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
