ધ ગ્રેટ વર્લ્ડ,પોરબંદર
ખબર જગત પોરબંદર
પોરબંદરની જે.વી. ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી મહંમદ સિદ્દીક પાંચાએ ધોરણ-૧૦ (SSC) ના પરિણામમાં ૯૭.૬૩ PR સાથે ‘A1’ ગ્રેડ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. મહંમદના પિતા શોએબભાઈ પાંચા વ્યવસાયે દરજી કામ કરે છે અને ખૂબ જ સામાન્ય આવકમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આર્થિક મર્યાદાઓ હોવા છતાં, મહંમદે પોતાની મહેનત અને મક્કમ નિર્ધારથી સમગ્ર મુસ્લિમ સમાજ અને પોતાની શાળાનું નામ રોશન કર્યું છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે મોંઘા કોચિંગ ક્લાસ અને સુવિધાઓ ધરાવતા પૈસાદાર પરિવારોના બાળકો જ ઉંચા ગ્રેડ લાવતા હોય છે, પરંતુ મહંમદે સાબિત કરી દીધું છે કે જો ભણવાની ધગશ હોય તો પ્રતિકૂળ પરિસ્થિતિ આડે આવતી નથી. ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરતા મહંમદ સિદ્દીકે જણાવ્યું હતું કે, “જે વિદ્યાર્થીઓને ખરેખર ભણવું છે, તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટોપ રિઝલ્ટ લાવી શકે છે.” તેની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે સાચી પ્રેરણા પૂરી પાડે છે.
