મહાનગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે 34 અતિસંવેદનશીલ બુથો પર વિશેષ નજર, હજારો વાહનોનું ચેકિંગ અને અસામાજિક તત્વો સામે પાસા-તડીપારના પગલાં
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર:
પોરબંદર જિલ્લામાં આગામી ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઝીણવટભર્યું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ચૂંટણી માટે સમગ્ર જિલ્લામાં મતદાન મથકોને વિવિધ કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા છે અને સુરક્ષા દળોની તૈનાતી માટે વ્યૂહાત્મક ગોઠવણી કરવામાં આવી છે.
ચૂંટણીના આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૬૫ બુથ અને ૬૭ બિલ્ડિંગોનો સમાવેશ થાય છે. જ્યારે રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૯૫ બુથ અને ૧૮૮ બિલ્ડિંગો આવેલા છે. આમ, સમગ્ર જિલ્લામાં કુલ ૪૫૦ મતદાન બુથ અને ૨૫૫ બિલ્ડિંગો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોલીસ તંત્રએ ૩૪ બુથોને ‘અતિસંવેદનશીલ’ તરીકે જાહેર કર્યા છે, જેમાં મહાનગરપાલિકાના ૦૩, પોરબંદર તાલુકાના ૨૬ અને કુતિયાણા તાલુકાના ૦૫ બુથોનો સમાવેશ થાય છે. આ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધારાની પોલીસ કુમક અને સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મતદાન મથકોને કુલ ૨૬ બુથ મોબાઈલ વિભાગમાં વહેંચીને કાર્યક્ષમ દેખરેખ રાખવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સમગ્ર જિલ્લાના બંદોબસ્તને ૪ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. પ્રત્યેક ઝોનની જવાબદારી DySP કક્ષાના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે, જેઓ સીધા જ ગ્રાઉન્ડ લેવલ પર સુરક્ષાનું મોનિટરિંગ કરશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયાના મહત્વના અંગ સમાન ડિસ્પેચિંગ-રીસીવીંગ અને સ્ટ્રોંગ રૂમ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પોરબંદર મહાનગરપાલિકા માટે સરકારી પોલિટેકનિક કોલેજ, પોરબંદર તાલુકા માટે કે.એચ. માધવાણી કોલેજ, રાણાવાવ માટે સરકારી વિનયન કોલેજ અને કુતિયાણા માટે બાલા હનુમાન હાઈસ્કૂલને નિર્ધારિત કરવામાં આવી છે. આ તમામ સ્થળોએ રાઉન્ડ ધ ક્લોક સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.
ચૂંટણી પૂર્વે અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ ૭૯૨ હથિયાર પરવાનેદારો પૈકી ૬૯૫ હથિયારો જમા કરાવી લેવામાં આવ્યા છે. તદુપરાંત, ૮૩ શખ્સો સામે તડીપારની દરખાસ્ત અને ૧૨ ગંભીર ગુનેગારો વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને રીપોર્ટ મોકલવામાં આવ્યો છે. અટકાયતી પગલાંના ભાગરૂપે ૨૪૮૪ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આચારસંહિતાના કડક અમલ માટે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર પણ ત્રાટકતા પોલીસે ૨૯૧૩ લીટર દેશી દારૂ અને ૪૯૨ ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ રૂ. ૯,૯૪,૫૩૫નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વાહન ચેકિંગ અને વોરંટ બજવણીમાં પણ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. જિલ્લામાં ૦૯ ચેકપોસ્ટ ઊભી કરી કુલ ૭૪૨૦ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને ૧૩૯ હિસ્ટ્રીશીટરો પર સીધી નજર રાખવામાં આવી રહી છે. બાકી રહેલા ૬૨૫ બિન જામીન લાયક વોરંટ પૈકી ૪૩૪ વોરંટની બજવણી કરવામાં આવી છે. તેમજ લાંબા સમયથી નાસતા-ફરતા ૧૦ આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોરબંદર પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.
