Headlines

ભાણવડ પંથકની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ


જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારની સગીરવયની પુત્રી સાથે મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિક કિશોરભાઈ વાઘેલા નામના શખ્સ દ્વારા આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને બદદાનતથી લલચાવી-ફોસલાવીને ગત તારીખ 21 જૂન 2025 ના રોજ રાત્રિના સમયે તેમના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર અપહરણ કરીને લઈ ગયો હતો.

        ત્યાર બાદ આરોપીએ સગીરાને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણગીર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં રૂમ ભાડે રાખીને ત્યાં સગીરા પર વારંવાર શરીર સંબંધ બાંધ્યાનું જાહેર થયું હતું. આને અનુલક્ષીને ભાણવડ પોલીસ મથકમાં પોક્સો સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. કે.બી. રાજવી દ્વારા આરોપી સામેના પૂરતા પુરાવા રજૂ કરી, કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.

        આ સમગ્ર કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, ભોગ બનનાર, મેડિકલ ઓફિસર અને તપાસનીસ અધિકારીની જુબાની સાથે રજુ કરવામાં આવેલા આધાર-પુરાવાઓ અને સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ધ્યાનમાં લઇ, અદાલતે આરોપી મૌલિક કિશોરભાઈ વાઘેલાને તકસીરવાન ઠેરવી, 20 વર્ષની સખત કેદ તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

      આ ઉપરાંત ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વશન માટે રૂપિયા 50,000 નું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ એ.જી. કટારીયા રહ્યા હતા.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *