Headlines

ભાવનગરના ટોપ-થ્રી સર્કલ પર ટ્રાફિકનો ચક્કાજામ: તંત્રની ઘોર બેદરકારીથી હજારો શ્રદ્ધાળુઓ અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા


ધ ગ્રેટ વર્લ્ડ | ભાવનગર: ગોહિલવાડના પ્રવેશદ્વાર સમાન ભાવનગર શહેરના ટોપ-થ્રી સર્કલથી અધેવાડા સુધીના માર્ગ પર ગત રાત્રીએ ટ્રાફિકની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. પૂનમનો પવિત્ર દિવસ હોવાથી ભાવનગરથી ગુરુધામ બગદાણા દર્શનાર્થે જઈ રહેલા હજારો ભક્તો અને માલવાહક વાહનો આ જામમાં ફસાઈ જતા કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ માર્ગ પર લાંબા સમયથી ચાલી રહેલા રોડના કામને કારણે રસ્તો અત્યંત સાંકડો થઈ ગયો છે, જે આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બન્યું હતું. રાત્રિના સમયે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને નાના બાળકો તેમજ વૃદ્ધો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા.

​સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જ્યારે હનુમાન જયંતી કે ગુરુપૂર્ણિમા જેવા મોટા તહેવારો હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા અગાઉથી જ ડાયવર્ઝન આપીને ટ્રાફિકનું સંચાલન કરવામાં આવે છે, તો પછી દર પૂનમે જ્યારે હજારો ભક્તો બગદાણા જવા નીકળતા હોય છે, ત્યારે આ પ્રકારનું આગોતરું આયોજન કેમ કરવામાં આવતું નથી? રસ્તાના કામને કારણે થતી પરેશાનીથી તંત્ર વાકેફ હોવા છતાં પૂનમના દિવસે ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને ડાયવર્ઝનના અભાવને કારણે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા વેધક સવાલો અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *