કિશોર ચીમનાણી, ધ ગ્રેટ વર્લ્ડ, સિહોર:
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના નામે ચલાવવામાં આવતી ટ્રેનો હવે યાત્રિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી રેલવે તંત્ર દ્વારા પાંચ જેટલી ટ્રેનોને ‘સ્પેશિયલ’ ટ્રેન તરીકે ચલાવવામાં આવે છે. આ ટ્રેનોની દરેક ટ્રિપ હાઉસફુલ જતી હોવા છતાં, રેલવે પ્રશાસન તેને કાયમી કરવાને બદલે દર ત્રણ મહિને સ્પેશિયલ તરીકે લંબાવ્યા કરે છે. આ પાછળનું મુખ્ય કારણ પાસધારકોને મળતી રાહત છીનવી લેવાનું હોવાનું જણાય છે.
સિહોર અને આસપાસના વિસ્તારોમાંથી ડેઈલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, રત્નકલાકારો અને નોકરીયાતોએ રેલવેના નિયમ મુજબ રૂ. ૪૧૦ ખર્ચીને માસિક પાસ કઢાવ્યા છે. નિયમ મુજબ આ પાસધારકો લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી શકે છે, પરંતુ ઉપરોક્ત પાંચ ટ્રેનોને ‘સ્પેશિયલ’નો દરજ્જો આપી દેવાતા તેમાં પાસ ચાલતા નથી. પરિણામે, કાયદેસરનો પાસ હોવા છતાં મુસાફરોએ નાછૂટકે અન્ય ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડે છે.
આ અન્યાયી નીતિને કારણે મધ્યમ વર્ગના મુસાફરો શારીરિક, માનસિક અને આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. રેલવે તંત્રની આ જોહુકમી સામે મુસાફરોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. જિલ્લા યાત્રિક સુરક્ષા સમિતિએ આ મામલે ગંભીર નોંધ લીધી છે અને આગામી દિવસોમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આક્રમક રજૂઆત કરી સ્પેશિયલ ટ્રેનોને કાયમી કરવા અને પાસધારકોને મંજૂરી આપવાની માંગ કરવામાં આવશે. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
