Headlines

પોરબંદર પોલીસની માનવતા: બંગડી બજારમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાની વહારે આવ્યા મહિલા પોલીસ કર્મીઓ, સમયસર હોસ્પિટલ પહોંચાડી દાખવ્યું જનસેવાનું ઉદાહરણ



ધ ગ્રેટ વર્લ્ડ | પોરબંદર: ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને સાર્થક કરતા પોરબંદર પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓએ શહેરના વ્યસ્ત એવા બંગડી બજાર વિસ્તારમાં જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ફરજ પર તૈનાત મહિલા એ.એસ.આઈ. અને ટ્રાફિક બ્રિગેડના સભ્યએ અકસ્માતનો ભોગ બનેલા એક વૃદ્ધાને તાત્કાલિક સારવાર અપાવી માનવતા મહેકાવી હતી, જેની અત્યારે પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.


​ઘટનાની વિગત મુજબ, ગત તારીખ ૨ મે ૨૦૨૬ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ એ.એસ.આઈ. ભાવનાબેન સોલંકી અને ટ્રાફિક બ્રિગેડના જલ્પાબેન મકવાણા પોરબંદરના બંગડી બજાર વિસ્તારમાં પોતાની નિયમિત પેટ્રોલીંગની ફરજ પર હતા. આ દરમિયાન એક એક્ટિવા ચાલક યુવતી પોતાના દાદીમાને પાછળ બેસાડીને પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કોઈ કારણોસર વૃદ્ધા ચાલુ એક્ટિવા પરથી નીચે પટકાયા હતા. રસ્તા પર જોરથી પટકાવાને કારણે વૃદ્ધાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને સતત લોહી વહેવા લાગ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે તેમની પૌત્રી ગભરાઈ ગઈ હતી અને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.


​પરિસ્થિતિની ગંભીરતા અને વહેતા લોહીને જોઈને એ.એસ.આઈ. ભાવનાબેન અને જલ્પાબેન તુરંત મદદ માટે દોડી ગયા હતા. તેમણે જરા પણ વિલંબ કર્યા વગર પ્રાથમિક સારવારમાં મદદ કરી અને તાત્કાલિક રિક્ષાની વ્યવસ્થા કરાવી હતી. ઈજાગ્રસ્ત દાદીમાને તેમની પૌત્રી સાથે સુરક્ષિત રીતે અને ઝડપથી હોસ્પિટલ રવાના કર્યા હતા. પોલીસ વિભાગના આ કર્મચારીઓએ માત્ર ખાખીની ફરજ જ નહીં, પરંતુ એક સજાગ અને સંવેદનશીલ નાગરિક તરીકેનું ઉમદા કાર્ય કરીને પોલીસની છબી વધુ ઉજ્જવળ કરી છે. મુશ્કેલીના સમયે નાગરિકોની વહારે આવવાની આ તત્પરતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં, પણ જનસેવા માટે પણ એટલી જ કટિબદ્ધ છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *