સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા દરોડો પાડી નકલી દૂધ અને સામગ્રી સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે પોરબંદર જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા એટલે કે એલસીબીની ટીમે મહત્વની કામગીરી કરી છે. આ ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીબિનેસ ગામમાં રહેતા સરમણ ગોગનભાઈ કોડિયારાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી સરમણ ગોગનભાઈ કોડિયારા દ્વારા ધમધમતા આ નકલી દૂધના કારખાનાના પર્દાફાશથી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
દરોડા દરમિયાન સ્થળ પરથી ૩૦ લીટર જેટલું શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું, જે સામાન્ય જનતા માટે ગંભીર જોખમ ઉભું કરી શકે તેમ હતું. દૂધ બનાવવા માટે વપરાતી સામગ્રીનો મોટો જથ્થો પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં દૂધના પાઉડરના પેકેટ, પામોલીન તેલના ડબ્બાઓ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. આ ગંભીર મામલે ફૂડ સેફ્ટી ઓફિસર વી.જે. ભટ્ટને તુરંત સ્થળ પર બોલાવીને દૂધના નમૂના લેવાની અને તપાસ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આરોપી સરમણ ગોગનભાઈ કોડિયારા વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતી પ્રવૃત્તિઓ પર કાપ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં જપ્ત કરાયેલા નકલી દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
પોરબંદર એલસીબીની ટીમ દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લામાં ગુનાહિત તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી ઘી બનાવીને વેચાણ કરતા ઈસમોને પકડવામાં આવ્યા હતા અને તે પ્રવૃત્તિમાં વપરાતી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલાની સામેના ભાગેથી નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડીને બાબુભાઈ કેશવભાઈ ઓડેદરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારની કામગીરી દ્વારા જિલ્લાના નાગરિકોને અસર કરતી નકલી ચીજવસ્તુઓ અને આરોગ્ય માટે હાનિકારક ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા તત્વો પર પોલીસ બાજ નજર રાખી રહી છે.
આ સમગ્ર સફળ ઓપરેશનમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા, એએસઆઈ બટુકભાઈ વિંગુડા, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ જોષી, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ દયતર, હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વર, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ માલદિયા, હેડ કોન્સ્ટેબલ ફુલદીપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મકકા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ જીનુભાઈ દાસા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ સેહિતભાઈ વસવા દ્વારા નોંધપાત્ર ભૂમિકા ભજવવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે સતત વોચ રાખીને કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત રહી શકે.
