ટોપ થ્રી સર્કલ પાસે રવિવારે પૂનમના પવિત્ર દિવસે લોકોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે માનવસેવા પ્રવૃત્તિ અંતર્ગત ઠંડી છાશ અપાશે
ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર
ભાવનગર શહેરમાં ભીષણ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો લૂ અને હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં પદયાત્રીઓ, વાહનચાલકો અને શ્રમિકોને ગરમીથી તાત્કાલિક રાહત આપવા માટે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર ગુજરાત દ્વારા એક અનોખો માનવસેવા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા આગામી રવિવાર અને પૂણિમાના દિવસે ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ટોપ થ્રી સર્કલ પાસે બપોરે બાર વાગ્યાથી વિનામૂલ્યે ઠંડી અને તાજી છાશના વિતરણની સેવાનો આરંભ કરવામાં આવશે. ગૌસેવા, માનવસેવા અને જીવદયાના ધર્મના કાર્યોમાં સતત કાર્યરત રહેતી આ સંસ્થાના સભ્યો દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આ સેવાકીય પ્રવૃત્તિમાં સંસ્થાના પ્રમુખ પ્રીતિબા રાજેન્દ્રસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ અને સેવાભાવી કાર્યકરો જોડાશે. આ ભીષણ ઉનાળામાં રસ્તા પરથી પસાર થતા સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા થાય અને તેઓ બીમાર ન પડે તેવા શુદ્ધ હેતુ સાથે આ નાનકડો પ્રયાસ શરૂ કરાયો છે. સંસ્થાના હોદ્દેદારોએ આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવા તેમજ જરૂરિયાતમંદ લોકોને આ સેવાનો લાભ લેવા માટે જાહેર અપીલ કરી છે. સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન અને સંપર્ક માટે સંસ્થાના સભ્યો સતત કાર્યરત છે.
