Headlines

​ભાવનગર તાલુકામાં ગુંજ્યો પરિવર્તનનો અવાજ: વિદ્યાર્થીઓના પ્રશ્ને અશોક ગોહિલ બાદલના સમર્થનમાં યુવા શક્તિ : છત્રોના 100 ગ્રુપ કોંગ્રેસ સાથે

​હાથબ અને આસપાસના ગામોમાં કોંગ્રેસનો જુવાળ; એક સમયે ભાજપના શાસનથી નિરાશ થયેલા યુવાનોએ હવે પરિવર્તન માટે કમર કસી

ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર

ભાવનગર જિલ્લાની બેઠકો પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસના હાથબ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મનિષાબેન અશોકભાઈ ગોહિલના સમર્થનમાં તેમના પતિ અને પ્રચંડ લોકપ્રિય નેતા અશોકભાઈ સોલંકી ‘બાદલ’ જે રીતે જનસંપર્ક કરી રહ્યા છે, તેનાથી મતદારોમાં, અને ખાસ કરીને યુવા વર્ગમાં એક નવી આશા જાગી છે. હાથબ ગામના યુવા કાર્યકર જેઠવા યોગેશભાઈ અરવિંદભાઈ સાથેની વાતચીતમાં ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિક સમસ્યાઓ અને રાજકીય ઝુકાવના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

​વિદ્યાર્થીઓની વેદના અને પરિવર્તનની લહેર

​હાથબ ગામના વતની યોગેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સાથી મિત્રો લાંબા સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભાવનગર ભણવા જતા વિદ્યાર્થીઓ માટે પરિવહનની સુવિધા એક વિકટ પ્રશ્ન બની ગઈ હતી. નવા રતનપર, હાથબ, કોળિયાક, ખડસલીયા અને મીઠી વીરડી જેવા ગામોના સેંકડો વિદ્યાર્થીઓ દરરોજ ભાવનગર અપ-ડાઉન કરે છે.

​યોગેશભાઈના જણાવ્યા અનુસાર, “અત્યાર સુધી માત્ર એક જ ST બસની સુવિધા હતી, જેમાં 150થી 300 જેટલા વિદ્યાર્થીઓને ઘેટા-બકરાની જેમ ભરાઈને જવું પડતું હતું. આ અન્યાય સામે અમે અનેકવાર લેખિત રજૂઆતો કરી, સહી ઝુંબેશ ચલાવી અને તંત્રના દ્વાર ખખડાવ્યા, પરંતુ સત્તાધારી પક્ષ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા.”

​અશોકભાઈ બાદલ: લોકપ્રિયતાનું કારણ માત્ર વાતો નહીં, પણ કામ

​જ્યારે સત્તામાં બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવ્યું, ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અશોકભાઈ ગોહિલ (બાદલ) તેમની પડખે આવીને ઉભા રહ્યા હતા. યોગેશભાઈ ઉમેરે છે કે, “જ્યારે કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નહોતું, ત્યારે અશોકભાઈ બાદલે અમારા પ્રશ્નોને વાચા આપી. તેઓ અમારી સાથે ભૂખ હડતાલ પર બેઠા અને જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ન આવ્યું ત્યાં સુધી હઠ ન છોડી. આજે તેમની મહેનતને કારણે આ રૂટ પર એકને બદલે ત્રણ બસો દોડી રહી છે.”

​આ પ્રકારના પાયાના કામોને કારણે જ યુવાનોમાં અશોકભાઈ બાદલ પ્રત્યે ભારે આદર અને વિશ્વાસ જોવા મળી રહ્યો છે. સત્તામાં ન હોવા છતાં જો તેઓ જનતાના પ્રશ્નો ઉકેલી શકતા હોય, તો સત્તા પર આવ્યા બાદ તેઓ વિસ્તારનો કાયાકલ્પ કરી શકે છે તેવી લોકમુખે ચર્ચા છે.

​100 થી વધુ યુવાનોનું જૂથ કોંગ્રેસ સાથે જોડાયું

​ભાજપના શાસનથી નારાજ થયેલા અને અશોકભાઈની કાર્યશૈલીથી પ્રભાવિત થયેલા હાથબ ગામના 100 થી વધુ યુવાનોનું ગ્રુપ હવે સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયું છે. યોગેશભાઈએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધી ભાજપના કામો જોવાની રાહ જોઈ, પણ અમને માત્ર નિરાશા જ મળી છે. હવે અમે નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસને જ વિજયી બનાવવી છે. અશોકભાઈએ જે રીતે વિદ્યાર્થીઓની અને ગ્રામીણ જનતાની સેવા કરી છે, તેનો બદલો અમે આ ચૂંટણીમાં મનિષાબેનને જંગી મતોથી જીતાડીને આપીશું.”

​ચૂંટણી સમીકરણોમાં મોટો ફેરફાર

​ભાવનગર જિલ્લાની આ સીટ પર અત્યાર સુધી ભાજપનું વર્ચસ્વ મનાતું હતું, પરંતુ અશોકભાઈ બાદલની લોકપ્રિયતા અને યુવાનોનો વધતો જતો ટેકો ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. કોંગ્રેસ પક્ષે જમીની સ્તરના પ્રશ્નો ઉઠાવીને સામાન્ય જનતાના દિલ જીત્યા છે. માત્ર હાથબ જ નહીં, પણ આસપાસના ૧૨ જેટલા ગામોમાં પણ કોંગ્રેસનો પક્ષ મજબૂત જણાઈ રહ્યો છે.

​અંતે, યુવા નેતા યોગેશભાઈએ આહવાન કર્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે જે નેતા પ્રજાની વચ્ચે રહીને લડે છે તેને સત્તા સોંપવામાં આવે. ભાવનગરની આ બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત હોવાનું પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *