Headlines

ભાવનગર ખાતે ભાજપના ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન: મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવા પર ભાર


પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી અને અગ્રણી અમોહભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં યોજાયેલા મહાઅભિયાનમાં રાજનીતિ, સમાજ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવવામાં આવ્યા

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સોમવારથી બુધવાર દરમિયાન અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના સક્ષમ નેતૃત્વ અને પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા મુજબ ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગ ભાવનગર જિલ્લાના સરોડ સ્થિત રાજેન્દ્ર વિદ્યાધામ પરિસરમાં યોજાયો હતો, જ્યાં ભાજપના વરિષ્ઠ અગ્રણી અમોહભાઈ શાહે પક્ષની મૂળ વિચારધારા, કાર્યપદ્ધતિ અને સંગઠન સંરચનાની વિસ્તૃત વિગતો સાથે આપણા સૈદ્ધાંતિક અધિષ્ઠાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. પોતાના વક્તવ્યમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવી એ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય નેમ અને સંકલ્પ છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના માર્ગદર્શનમાં આ વર્ગ કાર્યક્રમ દ્વારા પક્ષની વિચારધારાની સ્પષ્ટતા અને સોંપવામાં આવેલા દરેક કાર્યને પૂર્ણ સમર્પણ સાથે ગમતું કરવા માટેની પ્રેરણાદાયી શીખ આપી હતી.

આ મહાઅભિયાનના ત્રીજા અને અંતિમ દિવસે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં અમલમાં મૂકવામાં આવેલી ગરીબ કલ્યાણ યોજનાઓની રાષ્ટ્રીય કક્ષાના વિરાટ આયોજનો અને તેની અસરો અંગે ઝીણવટભરી છણાવટ કરી હતી. ત્રીજા દિવસના વિવિધ સત્રોમાં શશીકાંત ભોજ અને હરેશભાઈ વાઘે અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાકેશભાઈ છેલાણા અને ગોપાલભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અગાઉ મંગળવારે યોજાયેલા વિવિધ સત્રોમાં સુરેશભાઈ માંગુકિયા, રમીલાબેન બારા, અભયસિંહ ચૌહાણ, કાંતિભાઈ પટેલ, કલ્પેશભાઈ રથવી, અનિરુધ્ધભાઈ દવે અને રાજીવભાઈ પંડ્યા જેવા અનુભવી અગ્રણીઓએ કાર્યકર્તાઓને અલગ અલગ વિષયો પર સચોટ અને ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં પક્ષના અનેક દિગ્ગજ પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. જેમાં ધારાસભ્યો શિવાભાઈ ગોહિલ, ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા તથા ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ ઉપરાંત કેશુભાઈ નાકરાણી અને મહેન્દ્રભાઈ પનોત સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ વિશેષરૂપે જોડાયા હતા. આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે સંયોજક તરીકે અંકિતાબેન ભટ્ટ, રાજેશભાઈ ફાળકી તથા રાકેશભાઈ છેલાણાએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ મહામંત્રીઓ વિઠ્ઠલભાઈ સોરઠિયા (વી.ડી.), ગોપાલભાઈ વાઘેલા તથા ગેમાભાઈ આહિરની સાથે રવિભાઈ બારૈયા અને તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓના ઉત્તમ સંકલન અને આયોજનથી આ ત્રિદિવસીય વર્ગ અત્યંત સફળ રહ્યો હતો. આ વર્ગના માધ્યમથી અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને તેમાં ભાજપની ભૂમિકા અંગેનું મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત થયું હોવાનું પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા પોતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *