Headlines

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સુમિત્રાબેન અને નવજાત શિશુના મોત મામલે ડૉ. જલ્પા ભટ્ટ સામે કોળી સમાજનો ન્યાય માટે ઉગ્ર વિરોધ: જલ્પા કો કાનૂની જલ પાઓ: અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની પણ ડો જલ્પા સામે કાર્યવાહીની માંગ

Oplus_131072

રાધે કૃષ્ણા હોસ્પિટલના ડૉ. જલ્પાબેન ભટ્ટની બેદરકારીના આક્ષેપ સાથે જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહીની માંગ કરાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર શહેર અને જિલ્લામાંથી એક અત્યંત સંવેદનશીલ અને દુખદ ઘટના સામે આવી છે, જેમાં તબીબી બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલા અને તેના નવજાત શિશુનું અકાળે અવસાન થયું છે. આ ગંભીર બાબતને લઈને ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી રાધે કૃષ્ણા હોસ્પિટલ સામે લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. પ્રસુતિની પ્રક્રિયા એટલે કે ડિલિવરી દરમિયાન થયેલી ગંભીર લાપરવાહીના કારણે મૃત્યુ પામેલા સુમિત્રાબેન અને તેમના નવજાત શિશુના પરિવારને ન્યાય અપાવવા માટે કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં મેદાને ઉતર્યા છે. આ સમગ્ર ઘટનાનો અહેવાલ અને વિગતો સિહોરથી વિશાલભાઈ સોલંકી દ્વારા સવિસ્તર બહાર લાવવામાં આવ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડા પણ કોળી સમાજની આ મૂવમેન્ટની લીડરશીપ કરી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે સમાજને.

આ ગંભીર પ્રકરણમાં ન્યાય મેળવવાના હેતુથી ભાવનગરની જાણીતી સર ટી હોસ્પિટલ ખાતે કોળી સમાજના લોકો, અસંખ્ય યુવાનો, મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો એકત્રિત થયા હતા. સર ટી હોસ્પિટલના પરિસરમાં વિશાળ જનમેદની ભેગી થઈ હતી અને હોસ્પિટલ સંકુલમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકો અને આગેવાનોનો એક જ સુર હતો કે જ્યાં સુધી મૃતક સુમિત્રાબેન અને નવજાત શિશુના મોત માટે જવાબદાર ડૉ. જલ્પાબેન ભટ્ટ સામે ફોજદારી ગુનો દાખલ કરીને સખત કાનૂની પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં. આ આંદોલનના કારણે હોસ્પિટલ પરિસરમાં ભારે ઉત્તેજના અને તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ સમગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર કાળીયાબીડ વિસ્તારમાં આવેલી રાધે કૃષ્ણા હોસ્પિટલની ગંભીર બેદરકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાધે કૃષ્ણા હોસ્પિટલમાં ડિલિવરી ચાલી રહી હતી ત્યારે ડૉ. જલ્પાબેન ભટ્ટ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી હતી. આ બેદરકારીના પરિણામે જ સુમિત્રાબેન તેમજ તેમના નવજાત શિશુએ હોસ્પિટલમાં જ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવવો પડ્યો હતો. નિર્દોષ માતા અને બાળકના અકાળે થયેલા અવસાનથી સમગ્ર કોળી સમાજ તેમજ સ્થાનિક નાગરિકોમાં ભારે આઘાત અને રોષ ફેલાઈ ગયો છે. હોસ્પિટલ બહાર એકત્રિત થયેલા લોકસમુદાય દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સામે પણ તીવ્રાતિતીવ્ર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે આવી ગંભીર ભૂલ કરનાર સામે ત્વરિત કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી.

કોળી સમાજના આગેવાનો અને વિરોધ કરનાર નાગરિકોની એક જ સ્પષ્ટ માંગ છે કે આ પ્રકરણમાં તબીબી નૈતિકતાને વેરા પર મૂકનાર અને માનવ જીવન સાથે ગંભીર ચેડાં કરનાર ડૉ. જલ્પાબેન ભટ્ટ વિરુદ્ધ કાયદાનો કડક સકંજો કસાવામાં આવે. હોસ્પિટલના સત્તાધીશો અને સંબંધિત તબીબ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધી સખત પગલાં ન લેવાય ત્યાં સુધી આ ન્યાયની લડાઈ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે પ્રવર્તેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પ્રકારે થતી બેદરકારીભરી ઘટનાઓ ભવિષ્યમાં ક્યારેય ન પુનરાવર્તે અને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે સમગ્ર જનસમુદાય એક થઈને અવાજ ઉઠાવી રહ્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *