પોરબંદરમાં કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિતના આરોપીઓ ઝડપાયા
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે આરએમસી પ્લાન્ટમાંથી 1.90 લાખથી વધુ કિંમતના તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદરના કોલીખડા વિસ્તારમાં આવેલ વિકાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના આરએમસી પ્લાન્ટના બેચિંગ મશીનનો કોપર વાયર ચોરી કરનાર આરોપીઓને શોધી કાઢવામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા મિલકત સંબંધી તમામ પ્રકારના ચોરીના ગુનાઓને ગંભીરતાથી લઈને વહેલી તકે શોધી કાઢવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓને અનુસરીને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનાના કામે અંદાજે 1.90 લાખ રૂપિયાની કિંમતનો 60 કિલોગ્રામ કોપર વાયર ચોરી થઈ ગયાની વિગતો સામે આવી હતી.
આ ગુનામાં સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ચોરીને અંજામ આપનાર ઇસમોમાં ઈરફાન નીઝામભાઈ સોરવદી, સંજય રાજુભાઈ સોલંકી, ઈમરાન યુસુબભાઈ શેખ અને સન્ની વિજુભાઈ સોલંકીના નામ સામે આવ્યા હતા. આ ચારેય ઇસમોમાંથી મુખ્ય આરોપી ઈરફાન નીઝામભાઈ સોરવદીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ મોટો છે. તેના વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તેમજ જુનાગઢ એ ડિવીઝન, જુનાગઢ બી ડિવીઝન અને જુનાગઢ રેલવે પોલીસ સ્ટેશનમાં મારામારી, ગંભીર ઇજા પહોંચાડવી, ચોરી, ઘરફોડ ચોરી, અનધિકૃત પ્રવેશ અને હત્યા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય આરોપી સંજય રાજુભાઈ સોલંકી વિરુદ્ધ પણ જુનાગઢ વિસ્તારમાં અગાઉ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ તમામ આરોપીઓને શોધી કાઢવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.પી.કારેણા, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરૂભા, હેડ કોન્સ્ટેબલ વિશાલભાઇ રવજીભાઇ, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભોજુભા, પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ પરાક્રમસિંહ, પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ ગજેન્દ્રસિંહ, સહાયક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભાવીનભાઇ પ્રવીણભાઇ, પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઇ જેન્તીલાલ અને પોલીસ કોન્સ્ટેબલ ભૌતીકભાઇ હરીભાઇની અલગ અલગ તપાસી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ ટીમને મળેલી સચોટ બાતમીના આધારે આરોપીઓ પૈકી ઈરફાન નીઝામભાઈ સોરવદી અને સંજય રાજુભાઈ સોલંકીને શોધી કાઢીને હસ્તગત કરવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ અર્થ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા બાદ બંને આરોપીઓની ઉડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ ઉપરોક્ત ગુનામાં ચોરી કર્યાની સ્પષ્ટ કબૂલાત આપી હતી. આરોપીઓની કામ કરવાની પદ્ધતિ એટલે કે એમ.ઓ. અનુસાર તેઓને આર્થિક તંગીના કારણે પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના કારણે તેઓ રાત્રીના સમયે વાયર કટિંગ કરવાની સાધન સામગ્રી સાથે હાઇવે ઉપર રેકી કરતા હતા અને જાહેરમાં તેમજ માલિકીની મિલકતમાંથી કોપરના વાયરની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ બંને આરોપીઓની ધોરણસર અટકાયત કરી લીધી છે અને ગણતરીની કલાકોમાં જ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને અત્યંત પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે.
