ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લાના દિવ્યાંગ યુવક-યુવતીઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે પીએનઆર ટેકનોલોજી સેન્ટર દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના ૧૦ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને લેપટોપ, સ્કેનર અને ઇન્ટરનેટ ડોંગલની સહાય સાથે ઘરબેઠાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમને લઈને દિવ્યાંગ સમાજ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંસ્થાની જાહેરાત અનુસાર તાલીમમાં ખાસ કરીને DTP (Desktop Publishing) કોર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. છ મહિનાના સમયગાળા દરમિયાન દરરોજ એક કલાક ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. કોર્સ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને ડિજિટલ ક્ષેત્રમાં રોજગાર અને સ્વરોજગાર માટે ઉપયોગી કૌશલ્ય પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ યોજના ભાવનગર, ઉમરાળા, વલભીપુર, સિહોર, ગારીયાધાર, પાલિતાણા, જેસર, મહુવા, તળાજા અને ઘોઘા તાલુકાના દિવ્યાંગો માટે અમલમાં મૂકવામાં આવી છે. સંસ્થા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ અરજી કરનાર ઉમેદવારની ઉંમર ૧૮ થી ૪૫ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. ઉપરાંત ઓછામાં ઓછું ધોરણ-૭ પાસ શૈક્ષણિક લાયકાત અને ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવી આવશ્યક ગણાવવામાં આવી છે. અભ્યાસ કરતી બહેનોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે અને ઉમેદવારોએ ગૂગલ ફોર્મ મારફતે અરજી કરવાની રહેશે. અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ૫ મે થી ૨૦ મે સુધી ચાલુ રહેશે. તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવશે હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
પીએનઆર ટેકનોલોજી સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ Suketu A. Shah તથા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મેહુલભાઈ બુઘેલીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગ યુવાઓને ડિજિટલ શિક્ષણ સાથે આત્મનિર્ભર બનાવવાનો છે. નટરાજ કોલેજ કેમ્પસ, કાલીયાબીડ ખાતે કાર્યરત સંસ્થા દ્વારા આગામી સમયમાં પણ આવા સમાજલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
