ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર શહેર યુવક કોંગ્રેસની કારોબારી બેઠક દરમિયાન સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. ભાવનગર શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજાના લેટરપેડ પર સત્તાવાર જાહેરાત કરીને હરેન્દ્રસિંહ ગોહિલને ભાવનગર શહેર યુવક કોંગ્રેસની પૂર્વ વિધાનસભાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઇન-ચાર્જ નિખિલ ત્રિવેદી, સહ ઇન-ચાર્જ ચંદ્રકલા નાગોરી અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલની મંજૂરીથી આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો છે. આ નિમણૂક બદલ હરેન્દ્રસિંહ ગોહિલે યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રવીણસિંહ વણોલ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અમરદીપસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ અલીરાજા લાખાણી, યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંદીપસિંહ ગોહિલ તેમજ કોર્પોરેટર કિશનભાઈ મેરનો આભાર વ્યક્ત કર્યો છે. આગામી સમયમાં યુવાનોના હક્ક અને અધિકારો માટે સંગઠનના માધ્યમથી વધુ મજબૂતાઈથી કામ કરવાની આશા સંગઠનના હોદ્દેદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વરાયેલા ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે એક જાણીતો ચહેરો છે. પ્રખર હિન્દુવાદી વિચારધારા ધરાવતા હરેન્દ્રસિંહ એક સમયે “ગીતા મેન” તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમણે પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ ભગવત ગીતાને લોકોના ઘરે-ઘરે પહોંચાડવા માટે મોટું અભિયાન ચલાવ્યું હતું. તેઓ પોતાના વ્યક્તિગત ખર્ચે આ પવિત્ર પુસ્તક ખરીદીને લોકોને વિનામૂલ્યે ભેટ સ્વરૂપે વિતરણ કરતા હતા. તેમની આ નિઃસ્વાર્થ ધર્મ ભાવના અને જનસેવાના કાર્યોને કારણે તેઓ સમાજમાં ઊંડી છાપ છોડી શક્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, હરેન્દ્રસિંહ કોંગ્રેસ પક્ષમાં આટલા મહત્વના અને ઊંચા હોદ્દા સુધી પહોંચી શક્યા છે તેની પાછળ તેમની આ ધાર્મિક નિષ્ઠા, લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની વફાદારી મુખ્ય જવાબદાર પરિબળ માનવામાં આવે છે. સંગઠનને આશા છે કે તેમના જોડાવાથી આગામી સમયમાં ભાવનગરમાં યુવક કોંગ્રેસની પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
ભાવનગર પૂર્વ વિધાનસભા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે હરેન્દ્રસિંહ ગોહિલની વરણી
