જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૬
ખંભાળિયામાં ઉતરાયણના આનંદનો પર્વ થોડી બેજવાબદારીની પરિસ્થિતિમાં હાલાકી તેમજ દુઃખદ ન બની રહે તે હેતુથી સાવચેતી કેળવવા ખંભાળિયા પીજીવીસીએલ તંત્ર દ્વારા તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે કેટલીક વિગતો અને મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં જરૂરી છે.
જેમાં પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢવું નહી. વીજળીના તાર કે કેબલને અડકવું નહિ. વીજળીના વાયર કે તાર ઉપર પડેલી પતંગ લેવા લંગર નાખશો નહી. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની, તાર તુટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે. થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહી, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે.
નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખવો. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહી. તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઈ શકે છે. વિજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં.
આમ મકરસંક્રાંતિનું પર્વ, સલામતીપૂર્વક ઊજવવા તેમજ માનવ જિંદગી અમુલ્ય હોય, તેને જોખમમાં ન મૂકી, સલામતી અપનાવીને સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવવા ખંભાળિયા વીજતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
