Headlines

વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા શિક્ષણશાસ્ત્રી માધાભાઈ ડાભીનું ભવ્ય સન્માન


ભાવનગરમાં સાહસ એકેડમીના માધ્યમથી ૧૫૦૦થી વધુ યુવાનોને સરકારી નોકરી અપાવી સમાજનું ગૌરવ વધારવા બદલ કોળી સમાજ રત્ન એવોર્ડ એનાયત કરાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ગાંધીનગર ખાતે વિશ્વ કોળી-ઠાકોર સમાજ એકતા મહાસંઘ દ્વારા સમાજના ઉત્થાન અને શૈક્ષણિક પ્રગતિ માટે અભૂતપૂર્વ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરની સાહસ એકેડમીના સ્થાપક અને શિક્ષક માધાભાઈ નરશીભાઈ ડાભીને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રેરણાદાયી કાર્યોને બિરદાવવા માટે સંસ્થા તરફથી વિશેષ પ્રશંસા પત્ર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા છે. મહાસંઘ દ્વારા માધાભાઈ નરશીભાઈ ડાભીને તેમના અદ્ભુત અને ઐતિહાસિક પ્રદાન બદલ હર્ષભેર કોળી સમાજ રત્ન ૨૦૨૬ ના સર્વોચ્ચ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સંસ્થાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરી ડિજિટલ અને પ્રત્યક્ષ માધ્યમથી સમાજ સમક્ષ તેમના કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગૌરવપૂર્વક નોંધવામાં આવ્યું હતું કે કોળી-ઠાકોર સમાજ એ શૂરવીરો, ખેડૂતો અને ધરતીપુત્રોનો સમાજ છે. પરંતુ આજના આધુનિક અને ભારે સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય શિક્ષણ અને રોજગારી તેમજ નોકરીના અભાવે સમાજના હજારો યુવાનો દિશાહીન બની રહ્યા હતા. આવા કપરા સમયે માધાભાઈ ડાભી દ્વારા શિક્ષણ જ પરિવર્તનનું શસ્ત્ર છે એ ઉમદા અને પવિત્ર ભાવના સાથે ભાવનગરની પાવન ધરા પર સાહસ એકેડમીની સ્થાપના કરીને જ્ઞાનની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. તેમના અથાક પરિશ્રમ, નિઃસ્વાર્થ સેવાભાવ અને યોગ્ય માર્ગદર્શનના કારણે જ છેલ્લા ૨૦ વર્ષના લાંબા સમયગાળા દરમિયાન કોળી સમાજના ગ્રામ્ય વિસ્તારના તેમજ આર્થિક રીતે અત્યંત નબળા વર્ગના ૧૫૦૦ થી વધુ દીકરા-દીકરીઓએ ગુજરાત પોલીસ, ભારતીય સેના, પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, શિક્ષક તેમજ ફોરેસ્ટ ગાર્ડ જેવી વિવિધ સરકારી સેવાઓમાં સફળતાપૂર્વક સ્થાન મેળવીને સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે.
મહાસંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ૧૦૦૮ મહામંડલેશ્વર ઋષિ ભારતીજી મહારાજ અને સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે માધાભાઈ ડાભીનું કાર્ય માત્ર ૧૫૦૦ યુવાનોને સરકારી નોકરી અપાવવા પૂરતું જ સીમિત નથી રહ્યું. પરંતુ, તેમણે આ કાર્યો થકી ૧૫૦૦ પરિવારોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે, ૧૫૦૦ ઘરોના ચૂલા સળગતા રાખ્યા છે અને સમગ્ર સમાજને વિકાસની એક નવી અને સાચી દિશા આપી છે. તેમણે સમાજમાં એ બાબત સાબિત કરી બતાવી છે કે સાચો ગુરુ એ જ છે જે પોતાના શિષ્યને પગભર કરે છે. આવા મહાન કર્મયોગી રત્નથી કોળી સમાજની ભૂમિ ધન્ય બની છે. સમગ્ર કોળી-ઠાકોર સમાજ આ સન્માન પત્ર દ્વારા પોતાની લાગણી, ગર્વ અને ઋણ સ્વીકાર પ્રગટ કરે છે અને સમાજ હંમેશાં તેમનો સદાય ઋણી રહેશે. અંતમાં પરમકૃપાળુ પરમાત્મા માધાભાઈ ડાભીને નિરામય, દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સેવા કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ અર્પે એવી સમાજના લાખો લોકો વતી અંતરપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *