ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું કુલ પરિણામ 83.86% અને પોરબંદર જિલ્લાનું પરિણામ 79.79% નોંધાયું છે. આ આંકડાઓ વચ્ચે પોરબંદરની સરકારી માધ્યમિક શાળા-સીમાણીએ 100% પરિણામ મેળવીને એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.
સીમાણી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી આ સરકારી શાળાએ ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવું પ્રદર્શન કરીને સાબિત કર્યું છે કે જો મહેનત અને લગન હોય, તો સરકારી શાળાના બાળકો પણ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તમામ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ સાથે પાસ થઈને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે.
આ શાનદાર સફળતા પાછળ શાળાના આચાર્ય અશ્વિન મહેતા તેમજ શિક્ષકો અંકુરભાઈ થાનકી અને ઋષિતાબેન ભટ્ટનું માર્ગદર્શન અને મહેનત મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની તનતોડ મહેનત પણ આ પરિણામમાં રંગ લાવી છે.
આ ભવ્ય સફળતા બદલ સીમાણી પ્રાથમિક શાળાનો સ્ટાફ, ગામના સરપંચ, ઉપસરપંચ, SMDCના સભ્યો અને વાલીઓએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા છે. આચાર્યએ તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સીમાણી શાળાની આ સિદ્ધિ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
