બગદાણામાં સદગુરુ સંત બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિની ભાવ અને શ્રદ્ધાભેર ઉજવણી: ભાવિક ભક્તો મહોત્સવમાં સામેલ થઇને દર્શન તેમજ પ્રસાદ લઈને ધન્ય થયા

હરેશ જોશી, કુંઢેલી
તા.6, મંગળવાર

બગદાણા ધામ ખાતે આજે સદગુરુ સંત પૂજ્ય બજરંગદાસ બાપાની 49 મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.


આ ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
અગાઉથી જ ગુરુઆશ્રમ, બગદાણા દ્વારા ઘોષિત થયેલા આજના ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ વહેલી સવારના પાંચ કલાકથી મંગળા આરતી થઈ હતી. બાદમાં ધ્વજા પૂજન અને ધ્વજા આરોહણ થયું હતું. ત્યારબાદ મહિમા પૂર્ણ ગુરુપૂજન યોજાયું હતું. જેમાં સૌ ભાવિકો જોડાયા હતા. ત્યારબાદ અહીં રાજભોગ આરતી થઈ હતી.
બાદમાં અહીં દર વર્ષે યોજાતી પરંપરાગત પૂજ્ય બાપાની નગરયાત્રા યોજાઈ હતી.


ગુરુ આશ્રમ મધ્યેથી પૂજ્ય બાપાની છબી સાથે ખાસ શણગારાયેલા રથમાં નગરયાત્રાનું પ્રસ્થાન થયું હતું. મુખ્ય ગેટની બહારથી જ નગરયાત્રામાં જોડાયેલા હજારો ભાવિકો બાપાના બાપાસીતારામ…. બાપા સીતારામ…. ના નાદ સાથે જોડાતા ઉલ્લાસ પૂર્ણ ધર્મમય વાતાવરણ સર્જાયું હતું.
હજારો ભાવવિભોર ભક્તોએ અબીલ ગુલાલની છોળો તેમજ ચોકલેટ, પીપરમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો. બાપાની આ નગરયાત્રા બગદાણા ગામની શેરીઓમાં ફરી હતી.


ગુરુ આશ્રમ બગદાણાના મહત્વપૂર્ણ એવા પ્રસંગમાં સ્વયંસેવક ભાઈઓ અને બહેનોની અજોડ સેવા મળી હતી.
રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિની ઉમદા ભાવનાને વરેલા પૂજ્ય બાપાના સ્વયંસેવકોએ દર્શન વિભાગ, રસોડા વિભાગ, ભોજનશાળા, સફાઈ વિભાગ,પાર્કિંગ, સુરક્ષા,ચા પાણી સહિતના વિભાગોમાં ઉત્તમ સેવા બજાવી હતી.
ભોજન શાળા વિભાગમાં બહેનો તેમજ ભાઈઓ માટે અલગ અલગ ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી, જ્યાં સૌએ ભોજન પ્રસાદ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમમાં સરકારી તંત્ર તેમજ પોલીસ, હોમગાર્ડ વિભાગનનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *