વેરાવળ ખાતે સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં યોજાશે

– ઇચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ તા. 15 જાન્યુ. સુધીમાં અરજી કરવી – 

જામ ખંભાળિયા, તા. ૦૫: રાજયના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ 10 દિવસની સમુદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે.                   

     આ વર્ષે સંભવિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના અનુકૂળ 10 દિવસ દરમ્યાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબિર યોજવાનું નક્કી કરાયું છે. આ શિબીરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક યુવતિઓ કે જેમની ઉંમર તા. 31-12-250ના રોજ 15થી 35 વર્ષની મર્યાદામાં હોય, શારીરિક તેમજ માનસીક રીતે તંદુરસ્ત હોય તેમજ સામાન્ય સંજોગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોય તેમને નિયત નમૂનાનું અરજી ફોર્મ તા. 15 જાન્યુઆરી સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, જિલ્લા સેવ સદન , રૂમ નં – 313 ,314 , બીજો માળ, મું. ઇણાજ, તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ – 362265 ખાતે મોકલી આપવાની રહેશે. શિબિર માટે પસંદગી કરતા પહેલા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ આ કસોટી માંથી ઉતિર્ણ થનાર 25 યુવક યુવતીઓની શિબીર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા જવાનું પ્રવાસ ખર્ચ (સાદી એસ.ટી. બસ) નું ભાડું, નિવાસ, ભોજન આપવામાં આવશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

____________________________________________________________________________

શિવરાજપુર બીચ ખાતે આગામી રવિવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૫: યાત્રાધામ દ્વારકા નજીક આવેલા સુંદર અને મનમોહક શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તા. 11 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.

       રાજ્યના પ્રવાસન વિભાગ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ અને રોમાંચ આપશે.

       આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતની “ઉત્સવભરી પરંપરા”ને ઉજાગર કરતો મહોત્સવ છે, જે રાજ્યની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે. શિવરાજપુર બીચ જેવી વિશ્વપ્રસિદ્ધ પર્યટન જગ્યાએ યોજાતો આ મહોત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સાબિત થશે.

      આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ, પતંગપ્રેમીઓ વિગેરેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *