– ઉજવણીમાં શ્રેષ્ઠ ટેબલો, શ્રેષ્ઠ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રની શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમણે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓને શુભેરછાઓ પાઠવતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, આપણી ભારતભૂમિ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સહિત રાષ્ટ્રની મહામૂલી આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા લડવૈયાઓની ધરતી છે. જેમના બલિદાનો પછી આપણને સ્વંતત્રતા મળી છે ત્યારે આવા સ્વાતંત્ર્યવીરોને આજે આપણે નમન કરી તેઓની શહાદતને યાદ કરીએ છીએ. વર્ષ 1950માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારી પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યુ તેની ગરીમાની ગાથા ગર્વભેર ગાવાનો આ પવિત્ર અવસર છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 26 જાન્યુઆરી 1950નો દિવસએ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે આ દિવસે ભારતના બંધારણને અમલી બનાવી ભારતને ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા બનાવવામાં આવેલા આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી વધુ સુદ્રઢ બની છે. આપણા ભારતનું બંધારણ વિશ્વના લોકતાંત્રિક દેશો માટે પણ આદર્શરૂપ રહ્યું છે.
આપણુ બંધારણ આપણા ભારતના લોકોથી શરૂ થાય છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના લોકો જ આની તાકાત છીએ. આપણે જ તેની પ્રેરણા છીએ અને આપણે જ તેનો ઉદેશ્ય છીએ. હું જે કઇ પણ છું તે સમાજ માટે છું, દેશ માટે છું. આ જ કર્તવ્યભાવ આપણી પ્રેરણાનો સ્ત્રોત છે. આપણે સૌ મળીને ભારતના એક જવાબદાર નાગરિક તરીકે આપણા કર્તવ્યોનું પાલન કરીએ. ગણતંત્ર દિવસને માત્ર સંવિધાન લાગુ કરવાના રૂપમાં જોવા કરતા સંવિધાનમાં દર્શાવેલા કર્તવ્યો, અધિકારો અને સંરક્ષણો સાથે જોડવો જોઇએ. 26 મી જાન્યુઆરી, આ બસ એક તારીખ નથી. દેશની આત્મનિર્ભરતા, સ્વતંત્રતા અને લોકતંત્રના પ્રતિ આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આપણા ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે. સંવિધાને દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતાઅને ન્યાયનો અધિકાર આપ્યો છે. સાહસિકતા, અહિંસા, સત્યપ્રિયતા, ન્યાયપ્રિયતાએ ગુજરાતની પ્રજા અને ગુજરાતની ધરતીની આગવી ખાસિયત રહી છે અને વિશ્વભરમાં તેની પ્રતિષ્ઠા છે. અહિંસા એ કાયરતા નથી અને તેની શક્તિ કેટલી પ્રબળ હોય છે તે પણ આ જ ધરતી, અહીંના લોકોએ પૂરવાર કરી આપ્યું છે. નાગરિકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરૂષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન આપણે સાધવું છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. હાલના સમયમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને રાષ્ટ્રને આર્થિક રીતે મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં પૌરાણિક, ઐતિહાસિક, પુરાતત્વીય, સામાજિક, આર્થિક અને કૃષિક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતો જિલ્લો છે. તેની આગવી ભાતીગળ લોકસંસ્કૃતિ અને લોકજીવનના કારણે વધુ ખ્યાતિ પામ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં દેવભૂમિ દ્વારકા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ માનીતું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રવાસીઓનો વધો પ્રવાહ દેવભૂમિ દ્વારકા જિલ્લાને ટૂરિસ્ટો માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનવાની દિશામાં પ્રોત્સાહિત કરી રહ્યું છે. માત્ર પ્રવાસન જ નહીં કૃષિ, ઉદ્યોગ, રિન્યુએબલ એનર્જી સહિત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં જિલ્લો અગ્રેસર બની રહ્યો છે. રાષ્ટ્રને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટએ ઔદ્યોગીક વિકાસની નવી પરિભાષા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરી છે. રાજ્યના જુદા જુદા પ્રદેશો પોતાની આગવી ઓળખ ધરાવે છે. જેના સામુહિક વિકાસ માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પ્રાદેશિક કક્ષાએ વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ આયોજન કરી ઉદ્યોગો માટે નવીન ઉર્જાનો સંચાર કર્યો છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલા જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં રૂ. 7 હજાર કરોડથી વધુના એમ.ઓ.યુ. થયા છે. તેમાં પણ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વધુ મૂડીરોકાણ થઈ રહ્યું છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઔદ્યોગિક વિકાસની પ્રતિબદ્ધતા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વ કરવાની દેવભૂમિ દ્વારકા જિલ્લાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. જમીનો અતિરેક રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના અરિનમે દૂષિત બની છે જેની સીધી અસર પર્યાવરણ પર દેખાઈ રહી છે. ત્યારે હવે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળી આપણી જમીનને ફળદ્રુપ બનાવીને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપીએ.
ભાણવડના વિધાર્થીઓ દ્વારા લોકગીત ફ્યુઝન તથા ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડ સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમો









પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પોલીસ, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ., વાસ્મો, શિક્ષણ, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પ્રાકૃતિક કૃષિ અને આત્મા પ્રોજેક્ટ સહિત વિવિધ વિભાગના ટેબલોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં એસ.આર. કરમુર માધ્યમિક શાળાના વિધાર્થીઓ દ્વારા સર્વાંગ સુંદર વ્યાયામ, ભાણવડ તાલુકા શાળા નં. 3 ના વિધાર્થીઓ દ્વારા દેશભક્તિ અભિનય, વી.એમ. ઘેલાણી સરકારી હાઈસ્કૂલ,ભાણવડના વિધાર્થીઓ દ્વારા લોકગીત ફ્યુઝન તથા ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સ્કૂલ બેન્ડ સહિતની સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં શ્રેષ્ઠ પરેડ, શ્રેષ્ઠ ટેબ્લો, શ્રેષ્ઠ સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરનાર તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓને કલેકટર સહિતના મહાનુભાવો હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે વૃક્ષારોપણ થકી જિલ્લા તથા રાજ્યને હરિયાળું બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. પ્રજાસત્તાક પર્વની આન,બાન અને શાન સાથે થયેલી ઉજવણીમાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, પોલીસ વડા જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા અને સાગર રાઠોડ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયેશભાઈ અનડકટ વિગેરે સાથે મોટી સંખ્યામાં નાગરિકો, વિધાર્થીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપસ્થિત રહ્યા હતા.












(ફોટો:- કુંજન રાડિયા)
