મૂકેશ પંડિત, ભાવનગર ગુરુવાર તા.૨૯/૧/૨૦૨૬
ગોહિલવાડના ગૌરવ અને મહેતા તથા દવે કુટુંબની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી વળાવડી માતાજી મંદિર, નવદુર્ગાધામ – વળાવડ ખાતે મહા સુદ એકાદશી, ગુરુવાર તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.
આ પાવન પ્રસંગે મહેતા તથા દવે કુટુંબ સભ્યોએ હાજરી આપી હતી. પાટોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, માતાજીના વાહન સિંહની મૂર્તિ સ્થાપના, મહા આરતી તેમજ યજ્ઞનારાયણની મહા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મંદિરના અગ્રણી શૈલેષભાઈ મહેતા, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો વિશાલભાઈ મહેતા અને જીતેન્દ્રભાઈ મહેતાની આગેવાની હેઠળ જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે મુંબઈ નિવાસી મોનાબહેન નિમેશભાઈ મહેતા તરફથી મંદિરના પટાંગણમાં અંદાજે ૧૦૦ કિ.ગ્રા. વજનની પીતળથી નિર્મિત માતાજીના વાહન સિંહની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે મહાપ્રસાદ દાતાઓના સહયોગથી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના પુના સહિતના શહેરોમાંથી પણ માતાજીના ભક્તજનો પધાર્યા હતા.
યજ્ઞ સ્વરૂપ નવચંડી સ્વરૂપે બિરાજતા ભગવતીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આ ધાર્મિક ઉત્સવને યાદગાર બનાવ્યો હતો તેમ રવિન્દ્ર પંડ્યાની યાદીમાં જણાવાયું છે.
