


જામ ખંભાળિયા, તા. ૦૯-૦૨-૨૦૨૬
જામનગર જિલ્લાના જામ વંથલી ગામ ખાતે જામનગર જિલ્લા સમસ્ત પંચકોશી ભરવાડ સમાજ આયોજિત 15 મા સમૂહ લગ્ન ઉત્સવમાં કુલ 79 નવદંપતીઓએ દાંપત્યજીવનમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.
આ સમૂહ લગ્ન ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે જામનગર અને દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અનેક મહાનુભાવો તથા સમાજના અગ્રણીઓની ગૌરવભેર હાજરી રહી હતી.
આ કાર્યક્રમ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ભરવાડનું ભરવાડી બંડી, પરંપરાગત ભરવાડી પાઘડી અને ફૂલહાર દ્વારા ભવ્ય સ્વાગત, સત્કાર અને સન્માન કરવામાં આવ્યું. નાની ઉંમરથી સમાજના દરેક સુખ-દુઃખમાં જોડાઈ સેવા કાર્ય કરનાર રાજુભાઈ ભરવાડને મળેલી આ જવાબદારી જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સાથે સમગ્ર ગુજરાત ભરવાડ સમાજ માટે ગૌરવની બાબત બની છે.
સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને જનસમુદાય ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા કરાયેલ આયોજન અને વ્યવસ્થાઓને સર્વત્ર પ્રશંસા મળી હતી.
આ સાથે સંતો-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બેટ દ્વારકા મુળવાનાથની જગ્યાના મહંત શ્રી બાલારામ બાપુ તથા રાણાવાવ ખાતેથી શ્રી વછરાજ ધામના ભુવાઆતા શ્રી જગુઆતા વિગેરે દ્વારા તમામ 79 નવદંપતીઓને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
(ફોટો:- કુંજન રાડિયા)

