– 70 થી વધુ દર્દીના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬
દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.
શ્રેષ્ઠ કાનાણીના ચોથા જન્મદિવસ નિમિત્તે તાજેતરમાં ખંભાળિયાના ખ્યાતનામ જનરલ સર્જન ડો. પ્રકાશ ધારવીયા તથા દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણી દ્વારા 70 થી વધુ દર્દીઓને તદ્દન વિના મૂલ્યે માઈનર ઓપરેશન જેવા કે તલ, મસા, કપાસી, રસોડી, કાનની બુટ વિંધવી કે સાંધવી જેવા ઓપરેશનનો કરી આપવામાં આવ્યા હતા.
આ ઓપરેશન તથા તેને લગતા જરૂરી રિપોર્ટ પણ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવ્યા તથા પાંચ દિવસની દવા પણ સદંતર નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ ફ્રી મેગા ઓપરેશન કેમ્પનો લાભ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કે કોઈપણ પ્રકારના કાર્ડ વિના લોકો લાભ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી દ્વારકાની જાણીતી વ્રજ હોસ્પિટલ ખાતે ડો. સાગર કાનાણી હંમેશના માટે નિઃશુલ્ક નિદાન યજ્ઞ ચલાવે છે. જેમાં નિદાનની કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જેનો લાભ અત્યાર સુધી આશરે 1.5 લાખ કરતા વધુ દર્દીઓએ લીધો છે. આટલું જ નહીં, હાલ વ્રજ હોસ્પિટલમાં આંખનું નિદાન કોઈપણ જાતના ચાર્જ લીધા વગર નિઃશુલ્કમાં કરી આપવામાં આવે છે. આ ઉપરાંત આ વિસ્તારની અનેક શાળાઓમાં વ્રજ હોસ્પિટલના નિષ્ણાતોની ટીમએ જઈને શાળાના બાળકોને આંખની તપાસ ફ્રીમાં કરી આપે છે અને વધુ તપાસની જરૂર જણાય તો તે બાળકોને હોસ્પિટલે બોલાવી અને વિના મૂલ્યે આંખની તપાસ કરી આપે છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
