Headlines

નવા રતનપર ગામમાં હોળીના પર્વ પૂર્વે ‘ઓપરેશન ક્લીન’: સરપંચે જેસીબી ફેરવી હોળી ટીંબાની સફાઈ કરાવતાં પૂર્વ સરપંચ નટુ જેરામનું દબાણ મળી આવ્યું : રાજકારણમાં ગરમાવો

પૂર્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલા દબાણો હટાવવાની પ્રક્રિયાથી ગામમાં ખળભળાટ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આગામી હોળીના પર્વને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પરંપરાગત રીતે જ્યાં હોળી પ્રાગટ્ય થાય છે તે ‘હોળી ટીંબા’ વિસ્તારમાં ગઈકાલે સરપંચ ગૌતમ બારૈયા દ્વારા જેસીબીની મદદથી સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ સફાઈ અભિયાન દરમિયાન ગામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, કારણ કે સફાઈ વેળાએ પંચાયતની માલિકીની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સપાટી પર આવ્યા છે. નવા રતનપર ગામના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી હિંમતવાન સરપંચ તરીકે ઉભરી આવેલા ગૌતમ બારૈયા તેમની સામે ઊભા થયેલા તમામ પડકારોને જીલવા કટિબદ્ધ હોય તેવો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ સરપંચ સામે અનેક સવાલો પણ ખડા થયા છે. 

બપોરે ૨ થી ૫ વાગ્યા સુધી ચાલી કામગીરી

ગઈકાલે બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ચાલેલી આ કામગીરીમાં કોઈ પણ સ્વયંસેવકોની મદદ લીધા વિના સીધી પંચાયત દ્વારા જ સફાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન માલુમ પડ્યું હતું કે હોળી ટીંબાની આસપાસના વિસ્તારમાં ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે, જેના કારણે હોળી પ્રાગટ્ય અને ગ્રામજનોની અવરજવરમાં અડચણ ઉભી થઈ રહી હતી. અને આ હોળી ટીંબા ઉપરનું દબાણ ભૂતકાળમાં સરપંચના હોદ્દા ઉપર રહી ચૂકેલા નટુ જેરામ વાઘેલાનું છે. 

પૂર્વ સરપંચ અને સદસ્યના દબાણો ચર્ચાના કેન્દ્રમાં

સરપંચ ગૌતમ બારૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હોળી ટીંબાની બિલકુલ નજીક આવેલી એક ઓરડી જે હાલ દુકાન તરીકે વપરાશમાં છે, તે પૂર્વ સરપંચ નતુ જેરામ દ્વારા કરવામાં આવેલું દબાણ છે. આ ઉપરાંત, પંચાયતના જ સદસ્ય પ્રવીણ હીરાભાઈ મકવાણા દ્વારા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટરના દબાણને હટાવવાની પ્રક્રિયા પણ હાલ ગતિમાં છે. સફાઈ દરમિયાન સ્પષ્ટ થયું હતું કે આ દબાણો પંચાયતની હદમાં છે અને તેના કારણે ગામના જાહેર માર્ગો અને પરંપરાગત સ્થાનો સંકુચિત બન્યા છે.

નોટિસ આપી દબાણ મુક્ત કરવાની નેમ

વોટ્સએપ સંવાદ દરમિયાન સરપંચે પુષ્ટિ કરી હતી કે જે ઓરડી દબાણગ્રસ્ત જણાઈ છે તે નતુ જેરામના નામે ઓળખાય છે અને ત્યાં હાલ વ્યવસાયિક પ્રવૃત્તિ (દુકાન) ચાલી રહી છે. આ બાબતે પંચાયત દ્વારા ટૂંક સમયમાં જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવશે. ગામના વિકાસ અને પરંપરાગત ઉત્સવોમાં કોઈ વિઘ્ન ન આવે તે હેતુથી આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કડક રીતે અમલમાં મૂકવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

​ગામના પૂર્વ હોદ્દેદારો અને વર્તમાન સદસ્યોના જ દબાણો સામે આવતા નવા રતનપર ગામમાં આ મુદ્દો ભારે ચર્ચા જગાવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં પંચાયત તંત્ર આ દબાણો પર ક્યારે અને કેવી રીતે જેસીબી ફેરવે છે. બીજી તરફ સરપંચ ગૌતમ બારૈયા માત્ર એક પછી એક નોટિસ આપીને દબાણકર્તાંઓ ઉપર દબાણ લાવીને કોઈ બીજો હેતુ તો સિદ્ધ કરતા નથી માંગતા ને? – તે પણ એક સવાલ બની રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *