

– રૂ.16.3 કરોડના વિવિધ કામોનું ખાત મુહૂર્ત –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬
ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે ગુરુવાર તા. 5 ના રોજ ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે.
સરકાર દ્વારા ખંભાળિયા નગરપાલિકાને જુદી જુદી યોજના હેઠળ પ્રાપ્ત થયેલી ગ્રાન્ટના રૂ. 3.50 કરોડના ખર્ચે અહીંના સલાયા ગેઈટ, પોર ગેઈટ, દ્વારકા ગેઈટ અને નવડેરાના હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા, રૂ. 73 લાખના ખર્ચે યોગ કેન્દ્રમાં મહિલાઓ માટે જીમ બનાવવા, રૂ. 80 લાખના ખર્ચે નગર ગેઈટથી મિલન ચાર રસ્તા સુધી સી.સી. રોડ બનાવવા એમ કુલ રૂ. 5.03 કરોડના ખર્ચે ત્રણ કામોના લોકાર્પણ તેમજ રૂ. પાંચ કરોડના ખર્ચે વેલકમ ગેઈટ પાસેથી આઇકોનિક રોડ ડેવલપ કરવાના કામનું ખાત મુહૂર્ત ઉપરાંત રૂપિયા 11.30 કરોડના ખર્ચે હિંદુ સ્મશાનમાં વિવિધ સુવિધાઓ, ખામનાથ પૂલથી કણઝાર સુધી સી.સી. રોડ અને રોડ ડિવાઈડર, ટાઉનહોલ પુલ નજીક સી.સી. રોડ અને ફૂટપાથ, સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, તેલી નદી પાસે એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટનું કામ, મ્યુનિસિપલ ગાર્ડનમાં બાળકો માટે ટોય ટ્રેન અને અન્ય વિકાસ કામોનું ખાત મુહૂર્ત ગુરુવારે સાંજે 5 વાગ્યે અહીંના મ્યુનિસિપલ યોગ કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે.
આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને રહેશે. આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી અને શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
આ આયોજનમાં સહભાગી થવા નગરજનોને નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર, પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી અને કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તથા સદસ્યોર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
