જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬
ભાણવડ તાલુકા પટેલ સમાજવાડી ખાતે તાલુકા પેન્શનર મંડળનો વિશેષ અભિવાદન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વડીલોના સન્માનનો દૌર શરૂ કરાયો હતો.
આ પ્રસંગે જે પેન્શનરોએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે, તેમનું તેમજ સંસ્થાને સખાવત કરનાર સભ્યોનું સાલ ઓઢાડી અને ભેટ અર્પણ કરી, ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નરેન્દ્રભાઈ વિઠલાણીએ પેન્શનરોને લગતા વહીવટી પ્રશ્નો અને પ્રક્રિયાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જામનગર જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ અતુલભાઈ બુચે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સંગઠન જ શક્તિ છે અને સંગઠનને મજબૂત બનાવવા માટે સૌએ એકજુથ થવું અનિવાર્ય છે.
અધ્યક્ષીય ઉદબોધનમાં ડો. રમેશભાઈ ભટ્ટે નવી કારોબારી સમિતિની રચના, તેના નિયમો અને મંડળના વાર્ષિક હિસાબો રજૂ કરી પારદર્શક વહીવટની ખાતરી આપી હતી. મંડળના પ્રમુખે આ પ્રસંગના સહયોગી વ્રજલાલભાઈ જાવિયા, સુભાષભાઈ સિહોરા, હાસમભાઈ હિંગોરા, કાંતિભાઈ જીથરાનો આભાર વ્યક્ત કર્યો હતો.





(ફોટો: કુંજન રાડિયા)
