Headlines

પરી‌‌ક્ષા પૂરી થઈ, આંખમાં નવા સપના ભરો અને મંડી પડો, મચી પડો તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા: ગિરીશ રઢુકિયા

બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ અનુભવ્યો હાશકારો!

          વર્ષ આખાની તનતોડ મહેનતનું પરિણામ કવરમાં કેદ થયું. તે સાથે જ આનંદ અને હતાશાએ જોર પકડ્યું. જેના પેપર સારા ગયાં તેઓએ આનંદનો અનુભવ કર્યો. પણ જેના પેપર કોઈ કારણથી નબળા ગયાં તેઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં સરી ગયાં. કેટલાકને તો આત્મહત્યા કરવાનાં વિચારો આવવા લાગ્યા તો કેટલાક ડિપ્રેસનમાં સરી પડ્યા. આ આર્ટિકલ એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓના પેપર નબળા ગયાં છે અને એવું ધારી બેઠાં છે કે તેઓ નાપાસ થવાના છે.

તો સૌ પ્રથમ તો આવા વિદ્યાર્થીઓએ નીચે મુજબના વિચારોમા પોતાની જાતને ઢાળવી જોઈએ.

(1) હું નાપાસ જ થઈશ એવો વિચાર મનમાંથી કાઢી નાંખો. પોઝિવીટીને મહત્વ આપો. પૂરા આત્મવિશ્વાસ સાથે કહો હું પાસ થઇ જઈશ જ.

(2) ખોટો ભય ઉભો ના કરો : ઘણીવાર નાપાસ થવાની ચિંતા કરવાવાળો વિદ્યાર્થી પણ પાસ હોઈ શકે છે. મનમાં નાપાસ થવાનો ખોટો ભય ઉભો ના કરો.

(3) જીવનની આ અંતિમ પરીક્ષા નથી એમ માનો. આતો એક પગથિયું માત્ર છે, જિંદગીની સીડી તો ખૂબ લાંબી અને વાંકી ચુકી છે. જીવનની ખરી પરીક્ષાઓ પાસ કરવાનું લક્ષ્ય રાખનાર કદી નાસીપાસ નથી થતો.

(4) અન્ય સાથે પોતાની સરખામણી ના કરો.

કોઈને મેડિકલ લાઈનમાં જવું છે. તો કોઈને એન્જીનીયર તો કોઈને શિક્ષક બનવું છે. તમારે શું કરવું છે તે તમે જાતે નક્કી કરો અને પોતાની એબીલિટી અને લિમિટેશનને ધ્યાનમાં રાખી ભવિષ્યનું પ્લાનિંગ કરો.

(5) મિત્રો છૂટી જવાનું પેનીક ના લો. સહપાઠી મિત્રો છૂટી જશે તો બીજા નવા મિત્રો બનશે. આવું દરેક તબક્કે થશે. તે બાબતનો સહર્ષ સ્વીકાર કરો.
નવા મિત્રો બનાવો. એવા મિત્રો બનાવો જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થઇ શકે.

(6) ધારો કે આ પરીક્ષામાં કદાચ નાપાસ પણ થવાયું તો ચિંતા ના કરો. વધારે મહેનત સાથે બીજો પ્રયત્ન કરો. દસમામાં ત્રણ વાર નાપાસ થયેલ પણ પછીથી સારી ટકાવારી મેળવી પીટીસી કરી શિક્ષક બન્યાના ઉદાહરણ છે આપણી પાસે.

(7) તમારામાં રહેલી કોઈ વિશિષ્ઠ પ્રતિભાને ઓળખો અને એ દિશામાં આગળ વધવા પ્રયત્ન કરો. માત્ર ડિગ્રીઓ ધરાવનાર જ સારી કમાણી કરી શકે છે એવું નથી. સાવ ઓછું ભણેલા ગાયકો, વાદકો, ક્રિકેટરો, એકટરો સારું એવું કમાય છે.

(8) તમારામાં પડેલા કૌશલ્યને ઓળખો અને તેમાં નિપુણ બનવાના પ્રયત્ન કરો. આ નિપુણતા દ્વારા તને સમાજમાં એક અલગ વ્યક્તિ તરીકે ઉભરી આવશો અને સારી એવી આજીવિકા પણ પ્રાપ્ત કરી શકશો.

માટે મિત્રો કોઈ જ ચિંતા કર્યા વગર લાઈફને મસ્ત રીતે જીવો. ખૂબ હસો – હસાવો. આંખમાં નવા સપના ભરો અને મંડી પડો, મચી પડો તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા.

All the best

@ ગિરીશ રઢુકિયા

( લેખક ગૌરવ પુરસ્કાર વિજેતા કવિ અને શિક્ષક છે – ધ ગ્રેટ વર્લ્ડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *