Headlines

Filmorium: Naran Baraiya : ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા!

Filmorium: Naran Baraiya

ધુરંધર – ધ રિવેન્જ: આદિત્ય ધરની એ હિંમત જેનાથી પાકિસ્તાની રાજકારણીઓને ‘ડબલાં’ ગોતવા ભારે પડી ગયા!

ફિલ્મોરિયમ – નારન બારૈયા

​ફિલ્મી દુનિયાના બોક્સ ઓફિસ પર સાચા અર્થમાં ‘ધુરંધર’ સાબિત થયેલા દિગ્દર્શક આદિત્ય ધરની નવી પ્રસ્તુતિ “ધુરંધર: ધ રિવેન્જ” રિલીઝ થઈ એના પહેલા જ દિવસે જોઈ નાખી. સાચું કહું તો, જ્યારે આ શ્રેણીનો પહેલો ભાગ રિલીઝ થયો હતો, ત્યારે મને તે તરત જોવાનું બહુ મન પણ થયું ન હતું. મને લાગ્યું હતું કે આ કદાચ અન્ય કોઈ સામાન્ય એક્શન ફિલ્મ હશે. પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી જે રીતે પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશોએ પ્રતિક્રિયા આપી, તેણે આદિત્ય ધરનું કામ આસાન કરી નાખ્યું. પાકિસ્તાન સહિતના દેશોએ જ્યારે ધુરંધર ઉપર પ્રતિબંધ મૂક્યો, ત્યારે મારી જિજ્ઞાસા જાગી અને મારે એ ફિલ્મ જોવી પડી. હકીકતમાં, મારે પાકિસ્તાન અને આરબ દેશોનો આભાર માનવો પડે કે આટલી સારી ફિલ્મ મેં જોઈ. તમે કહી શકો કે એ લોકોના વિરોધે જ મને આ ફિલ્મ જોવડાવી અને હું એક શ્રેષ્ઠ કલામય કૃતિથી વંચિત રહેતા બચી ગયો. ધુરંધરના પહેલા ભાગે જે રીતે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, તે જ લય બીજા ભાગમાં પણ જળવાઈ રહ્યો છે અને આ ભાગ પણ અત્યારે જોરદાર તોડફોડ કરી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાનમાં આ ફિલ્મને લઈને ભારે હોબાળો મચ્યો છે અને હજી પણ વધુ તોડફોડ થાય તેવી પૂરી શક્યતા છે.

​પાકિસ્તાને જે રીતે વિવિધ પ્રકારના આતંકવાદી હુમલાઓ કર્યા છે, તે જોતા તેમને સબક શીખવવો અનિવાર્ય હતો અને આ સબક શીખવવા માટેનો મજબૂત પાયો ‘રણવીર’ ના પાત્ર દ્વારા આદિત્ય ધરે પહેલા ભાગમાં જ નાખી દીધો હતો. ગમે તે કહો, પણ પહેલા ભાગમાં પાકિસ્તાનનું પલ્લુ પણ ખૂબ જ ભારે રાખવામાં આવ્યું હતું, જે ફિલ્મને વાસ્તવિકતાની નજીક લઈ જાય છે. એક્ટિંગના મામલે આખા પાકિસ્તાને રહેમાન ડકૈતની ભૂમિકામાં શાનદાર અભિનય માટે અક્ષય ખન્નાનો અને એસપી અસલમની જોરદાર ભૂમિકા માટે સંજય દત્તનો આભાર માનવો પડે તેવી સ્થિતિ હોવા છતાં પાકિસ્તાને ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ બીજા ભાગમાં આદિત્ય ધરે પાકિસ્તાન ‘ચૂ< કે ચા’ ન કરી શકે એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે. આ ભાગમાં એવા એવા રહસ્યો ખોલ્યા છે કે પાકિસ્તાનના રાજકારણીઓને હવે ‘ડબલાં’ ગોતવા પણ ભારે પડી જાય એવી હાલત થઈ ગઈ છે. સોનામાં સુગંધ ભળે તેમ, આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી કરાવીને હિંમતનું એક નવું જ સ્તર બતાવ્યું છે. દાઉદની પણ એન્ટ્રી થઈ છે. એક પત્રકાર જે રીતે આક્રમક શૈલીમાં લખતો હોય તે પ્રકારે આ ફિલ્મ આક્રમક શૈલીમાં બની છે. ફિલ્મનું નેરેશન એકદમ નવા જ પ્રકારનું છે. રામગોપાલ વર્મા પોતાના રિવ્યુમાં લખે છે એ રીતે, આ ફિલ્મ ‘શોલે’ કરતાં સો દરજ્જે સારી છે એમ ઘણા લોકો કહી રહ્યા છે. એનું મુખ્ય કારણ એટલું જ છે કે આ ફિલ્મ શુદ્ધ દેશભક્તિની છે. બીજું એ કે દેશભક્તિની ફિલ્મ બનાવવા માટે પણ એક ખાસ પ્રકારની ખતરનાક હિંમતની જરૂર પડે છે, જે હિંમત આદિત્ય ધરે અહીં પૂરેપૂરી દાખવી છે.

​નહિતર એવું તો નથી કે આ ફિલ્મ ક્રાફ્ટ્સ્મેનશીપની દ્રષ્ટિએ ‘શોલે’ કરતા શ્રેષ્ઠ હોય કે બીજી એવી કલાત્મક ફિલ્મો કરતાં ચડિયાતી હોય. બંને ફિલ્મોમાં ઘણી બધી બાબતો યોગ્ય એડિટિંગ વગર આડેધડ વણી લેવામાં આવી હોય તેવું લાગે છે. એટલે કે એક તટસ્થ વિવેચકની દ્રષ્ટિએ ફિલ્મમાં ઘણા બધા ટેકનિકલ વાંધા-વચકા નીકળી શકે તેમ છે, પણ વાસ્તવમાં એવું થશે નહીં. દર્શકોને એવું કરવાનું મન પણ નહીં થાય કારણ કે આદિત્ય ધરે એક રિયાલિસ્ટિક ફિલ્મ બનાવવા માટે જે સાહસની જરૂર પડે, તે સાહસ અત્યાર સુધીમાં કોઈએ ન દાખવ્યું હોય તેવું બતાવ્યું છે. આ જ કારણ છે કે અત્યારે આ ફિલ્મ ધુરંધરના પહેલા ભાગના રેકોર્ડ પણ તોડશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાદેલી નોટબંધી સહિતના અનેક રહસ્યમય અને ચોંકાવનારા કારણો પણ બતાવવામાં આવ્યા છે. પહેલા ભાગમાં જે કિસ્સાઓ કે બદલા લેવાના બાકી રહી ગયા હતા, તે તમામનો હિસાબ આ ભાગમાં પૂરો કરી દેવામાં આવ્યો છે. ફિલ્મને પ્રેક્ષકો તરફથી એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે કે હવે કંઈ બાકી રહ્યું હોય કે ન રહ્યું હોય, જો આદિત્ય ધર ત્રીજો ભાગ બનાવે તો પણ તે એટલો જ સફળ જશે એટલી હાઈટ આ શ્રેણીએ પકડી લીધી છે. અભિનયની બાબતમાં જોઈએ તો, જે રીતે પહેલા ભાગમાં અક્ષય ખન્ના પોતાની એક્ટિંગથી બાજી મારી ગયો હતો, બરાબર તેવી જ રીતે આ બીજા ભાગમાં અર્જુન રામપાલ મેદાન મારી ગયો છે.

​આ ફિલ્મની ભવ્ય સફળતા પાછળ તેની ટેકનિકલ ટીમનો પણ સિંહફાળો છે. મ્યુઝિક ડાયરેક્ટર શાશ્વત સચદેવે જે બેકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે તે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય છે, જે ફિલ્મના તણાવપૂર્ણ દ્રશ્યોમાં પ્રાણ પૂરે છે. ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા અને આદિત્ય ધરની પોતાની પ્રોડક્શન હાઉસ દ્વારા અત્યંત કુશળતાપૂર્વક કરવામાં આવ્યું છે. એડિટર શિવકુમાર પાણિગ્રહીએ જે રીતે દ્રશ્યોની ગોઠવણી કરી છે તેનાથી ફિલ્મની ગતિ ક્યાંય ધીમી પડતી નથી, અને એડિટિંગ ટેબલ પરની આ જ ચોકસાઈને કારણે બીજો ભાગ વધુ પ્રભાવશાળી બન્યો છે. (તેમ છતાં એક વાત કીધા વગર રહેવાતું નથી કે ફિલ્મને હજુ પણ વધુ થોડીક ટૂંકાવીને રજૂ કરી હોત તો કંઈ ખાતું મોડું થઈ જવાનું ન હતું. એનાથી થિયેટરોનું લાઈટ બિલ અને દેશવાસીઓનો સમય બચી શક્યો હોત. પણ વાંધો નહીં આદિત્ય ધરની હિંમત માટે ઇતના તો જાયજ હૈ.) એક્શનની વાત કરીએ તો, ફાઈટ માસ્ટર સ્ટીફન રિચાર્ટર અને તેમની ટીમે અદભૂત અને વાસ્તવિક ફાઈટ સીન કોરિયોગ્રાફ કર્યા છે. સિનેમેટોગ્રાફર મિતીશ મીરચંદાનીએ પાકિસ્તાનના લોકેશન અને વોર ઝોનને કેમેરામાં જે રીતે કંડાર્યા છે તે કાબિલે તારીફ છે. સલીમ જાવેદના જમાનાનું સેક્યુલરીયુ નેરેશન નથી અને ભારતમાં રહેલા પાકિસ્તાનીઓની પોલ પણ ખોલી નાખી છે તે બહુ મોટી વાત છે. ટૂંકમાં, આદિત્ય ધરની ખતરનાક હિંમત અને આખી ટેકનિકલ ટીમના અથાણ પરિશ્રમનું પરિણામ એટલે “ધુરંધર: ધ રિવેન્જ”. વર્તમાન અને ઇતિહાસના પ્રવાહોથી માહિતગાર રહેવા માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *