પહેલી ધારની વાત : નારન બારૈયા
બૂબુડાનાથનું ‘ગ્લોબલ વોર્નિંગ’ પુરાણ: ટ્રમ્પની ટ્રેજેડી, પુતિનનો પસ્તાવો અને મોદીનું ‘મીડિયા-મેનેજમેન્ટ’!
ગઈકાલે રાત્રે સંત બૂબુડાનાથ જ્યારે કાલભૈરવના દિવ્ય વાહનમાંથી સીધા ‘જીઓ-પોલિટિકલ એનાલિસ્ટ’ના અવતારમાં પ્રગટ થયા, ત્યારે એમની પોતાની દિવ્ય અને ભવ્ય પૂંછડીનો લય કોઈ સુપરસોનિક મિસાઈલ જેવો હતો. એમણે પોતાની એક ભવ્ય અને દિવ્ય આંખ દબાવીને મને અત્યંત ગંભીર ઈશારો કર્યો, જાણે કહેતા હોય, “નારન, આ દુનિયામાં અત્યારે જે યુદ્ધો લડાય છે ને, એ તો ખાલી મિસાઈલ અને ટેન્કોના ખેલ છે… અસલી મહાભારત તો ભારતીય ન્યૂઝ ચેનલોના ‘વોર-રૂમ’ જેવા સ્ટુડિયોમાં લડાય છે!”
બૂબુડાનાથના ‘ખાનગી બાતમીદારો’ (જે પૃથ્વીની ગલીઓ ગલીઓના ખૂણે ખૂણે મધરાતે ગુપ્ત ગૂપ્ત મીટિંગો કરે છે)- ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પસ્તાવાની એવી પરાકાષ્ઠાએ છે. એમણે ડાયેટ કોક પીવાનું પણ છોડી દીધું છે. ટ્રમ્પ પોતાના અંગત માણસોને ધ્રુસકે ધ્રુસકે (અત્યંત ખાનગીમાં!) કહી રહ્યા છે કે, “મારો સૌથી મોટો ગુનો એ જ છે કે મેં સીઆઈએ (CIA) કે પેન્ટાગોનના રિપોર્ટ વાંચવાને બદલે ભારતીય ન્યૂઝ એન્કરોની બૂમો પર ભરોસો કરી લીધો!”
બૂબુડાનાથ કહે છે કે જ્યારે ઈરાન સાથેના યુદ્ધના વાદળો ઘેરાયા, ત્યારે ટ્રમ્પ સાહેબ વ્હાઇટ હાઉસમાં રિમોટ લઈને બેઠા હતા. ભારતીય ન્યૂઝ ચેનલો પર લાલ કલરની પટ્ટીઓ ‘બ્રેકિંગ ન્યૂઝ’ બનીને એવી દોડતી હતી કે જાણે હમણાં ટીવીમાંથી નીકળીને ઈરાન પર ત્રાટકશે! હેડિંગ વાગતાં હતા— “ઈરાન ખલાસ! ૪ દિવસમાં અમેરિકા તેહરાનને તળિયે બેસાડી દેશે!”
એક એન્કર તો સ્ટુડિયોમાં આબેહૂબ વર્ચ્યુઅલ ફાઈટર પ્લેન ઉડાડતા હતા. ટ્રમ્પને લાગ્યું, “અરે, આ લોકો તો મારા ગ્રાઉન્ડ ફોર્સ કરતાં પણ વધુ કોન્ફિડન્સમાં છે! જો આ એન્કર ટેબલ પર હાથ પછાડીને ઈરાનને નકશામાંથી ભૂંસી નાખતા હોય, તો મારે તો ખાલી ઓર્ડર પર સહી જ કરવાની છે ને?”
ટ્રમ્પ અત્યારે કહી રહ્યા છે, “પેલા એન્કરે તો એવી રીતે ‘ચપટી’ વગાડી હતી કે મને લાગ્યું ઈરાન એટલે કોઈ સોફ્ટ ડ્રિંકની બોટલ છે, જેનું ઢાંકણું ખોલતા જ ગેસ નીકળી જશે. પણ અહીં તો મહિનો થઈ ગયો અને ઈરાન હજી ‘નોટ આઉટ’ રમે છે! આ ભારતીય મીડિયાના પાને ચડીને મેં મારી આબરૂના મમરા કરી નાખ્યા છે. મને તો લાગે છે કે આ એન્કરો જ મને હરાવીને દમ લેશે!”
બૂબુડાનાથનો તર્ક તો જુઓ! એ કહે છે કે ટ્રમ્પ સાહેબ ભૂલી ગયા હતા કે આ એ જ મીડિયા છે જેણે વ્લાદિમીર પુતિનને પણ ‘ગ્લોબલ સુપરમેન’ બનાવી દીધા હતા. ૨૦૨૨માં જ્યારે યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો, ત્યારે ભારતીય સ્ટુડિયોમાં બેઠેલા એક્સપર્ટ્સ (જેઓ પોતે ક્યારેય પડોશી સાથેની લડાઈમાં જીત્યા નથી!) કહેતા હતા, “પુતિન તો ચાર અઠવાડિયામાં ઝેલેન્સ્કીને રશિયન સલાડ બનાવીને ખાઈ જશે! કિવની ગલીઓમાં રશિયન ટેન્કો ગરબા રમે છે!”
આજે ચાર વર્ષ થવા આવ્યા, પુતિન સાહેબ હજી યુરોપના નકશા પર ફૂટપટ્ટી લઈને બેઠા છે કે ‘ક્યાંથી ઘૂસવું અને ક્યાંથી નીકળવું?’. યુક્રેન તો ઠીક, પુતિન પોતે પણ હવે ક્યારેક ગુપ્ત રીતે ભારતીય ન્યૂઝ જોતા હશે અને વિચારતા હશે કે, “જો હું હારી રહ્યો હોઉં તો પણ આ એન્કરો તો મને જિતાડીને જ રહેશે! મારે યુદ્ધ લડવાની જરૂર નથી, બસ આ ચેનલોના ગ્રાફિક્સ રશિયામાં બતાવવાની જરૂર છે!” બૂબુડાનાથ કહે છે કે ટ્રમ્પ સાહેબ આ જૂનો રેકોર્ડ તપાસવાનું જરા ચૂકી ગયા અને ફરીથી એ જ ‘ચપટી’ના શિકાર બન્યા.
ટ્રમ્પ અત્યારે પોતાના રક્ષણ મંત્રીઓને ખિજાય છે: “તમે મને પેન્ટાગોનના ડલ અને બોરિંગ રિપોર્ટ આપો છો, પણ પેલા ભારતીય એન્કરના ‘થ્રી-ડી ગ્રાફિક્સ’ જોયા છે? એ લોકો તો સ્ટુડિયોમાં જ મિસાઈલો છોડે છે અને પેનલ પર બેઠેલા પાકિસ્તાની એક્સપર્ટનું પેન્ટ ભીનું કરી નાખે છે! મને લાગ્યું કે જો આટલી તાકાત સ્ટુડિયોમાં હોય, તો ફિલ્ડ પર તો ઈરાન ચાર મિનિટ પણ નહીં ટકે!”
બૂબુડાનાથના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ હવે વ્હાઇટ હાઉસમાં એક નવો કાયદો લાવવાનું વિચારી રહ્યા છે: “જ્યારે ભારતીય ન્યૂઝ ચેનલોમાં લાલ પટ્ટી વાગે અને એન્કર લડવાનો ‘પાનો’ ચડાવે, ત્યારે અમેરિકાએ આખા દેશમાં રજા જાહેર કરી દેવી, પણ ભૂલેચૂકે યુદ્ધમાં ઉતરવું નહીં!” કારણ કે મીડિયામાં જે ‘ચાર દિવસ’ હોય છે, એ વાસ્તવમાં પૃથ્વીના ‘ચાર દાયકા’ સમાન હોય છે!
સંત બૂબુડાનાથે એક અત્યંત ગૂઢ રહસ્ય ખોલ્યું. એમણે એમની પોતાની દિવ્ય અને ભવ્ય પૂંછડી હલાવતા કહ્યું, “નારન, આ સમગ્ર વિશ્વમાં જો ભારતીય મીડિયાને કોઈ નખશીખ ઓળખતા હોય, તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે!” મોદીજી જાણે છે કે મીડિયાના અહેવાલોથી ક્યારે ઉશ્કેરાવું, ક્યારે હસી કાઢવું અને ક્યારે મૌન ધારણ કરી લેવું. બૂબુડાનાથના મતે, આ ‘મીડિયા-મેનેજમેન્ટ’ની કળા શીખવા માટે જો પુતિન અને ટ્રમ્પ એક સાથે મળીને મોદી પાસે ટ્યુશન રાખે, તો તેમને એવું બ્રહ્મજ્ઞાન મળે કે પછી ક્યારેય એમની આબરૂના મમરા ન થાય.
પરંતુ, ટ્રમ્પ અને પુતિન મોદી પાસે આવતા કેમ નથી? બૂબુડાનાથ એનું કારણ પણ જાણે છે. એ બંનેને એવી ભયંકર બીક લાગે છે કે જો તેઓ એક સાથે મોદી પાસે જશે, તો મોદીજી પોતાની લાક્ષણિક શૈલીમાં બંનેના ખભા પર હાથ મૂકીને કાયમી ‘સમાધાન’ કરાવી નાખશે! અને યુદ્ધ વગર ટ્રમ્પ અને પુતિનનું અસ્તિત્વ જ જોખમાઈ જાય!
ટ્રમ્પને તો હવે બીજી એક ખાનગી ચિંતા પણ સતાવી રહી છે. એ પોતાના અંગત સ્ટાફને કહે છે, “મને ભલે શાંતિનું નોબેલ પ્રાઇઝ ન મળ્યું, પણ જો હું મોદી પાસે સમાધાન કરાવવા ગયો અને એમણે આખી દુનિયામાં શાંતિ સ્થાપી દીધી, તો એમને નોબેલ મળી જશે! અને એ મને મંજૂર નથી!” ટ્રમ્પને ઈરાન સામે જીતવા કરતા મોદીને નોબેલ ન મળે એમાં વધુ રસ છે, એમ બૂબુડાનાથનો રિપોર્ટ કહે છે.
સંત બૂબુડાનાથે હસતા હસતા જ્ઞાનની છેલ્લી ચપટી વગાડી. એમણે કહ્યું, “નારન, આ દુનિયામાં ત્રણ વસ્તુથી હંમેશા અંતર રાખવું—ખરાબ હવામાન, ઉઘાડો વાયર અને ભારતીય મીડિયાનું ‘યુદ્ધ-વિશ્લેષણ’! કારણ કે એ લોકો મિસાઈલ ફેક્ટરીમાં બન્યા પહેલા જ તેનું રિઝલ્ટ ડિક્લેર કરી દે છે.”
ટ્રમ્પ સાહેબ તો હવે પસ્તાઈને શીખ્યા છે, પણ આપણે તો વર્ષોથી જાણીએ છીએ કે જો ન્યૂઝ ચેનલ પર એન્કર ગળા ફાડીને કહે કે “આવતીકાલે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે અને પૃથ્વી ખતમ થઈ જશે”, તો સમજી લેવું કે કાલે નિરાંતે સવારે ઊઠીને ચશ્મા પહેરીને ચા-નાસ્તો કરી શકાય છે, પૃથ્વીને કંઈ જ થવાનું નથી!
ધન્યવાદ બૂબુડાનાથ! તમારી આ ‘વૈશ્વિક બાતમી’એ તો આબરૂના મમરાને બદલે આખા જહાજ જેટલા જ્ઞાનના લાડુ ખવડાવી દીધા છે! હવે ટ્રમ્પને કહો કે થોડું મોદીજીનું ટ્યુશન રાખે, નહીંતર એન્કરોની ‘ચપટી’માં તો આખું અમેરિકા વગડી જશે!
- નારન બારૈયા (સંત બૂબુડાનાથના આધ્યાત્મિક અને રાજકીય સેક્રેટરી)
