દીનદયાળ ભવનથી જશોનાથ સર્કલ સુધી કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે પદયાત્રા યોજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી



હરેશ પરમાર, ભાવનગર
ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય સેજલ પંડ્યા સહિતના આગેવાનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પં. દીનદયાળ ભવનથી જશોનાથ સર્કલ સુધી ‘બાબા સાહેબ અમર રહો’ ના નારા સાથે વિશાળ પદયાત્રા યોજવામાં આવી હતી. આ પદયાત્રાના અંતે જશોનાથ સર્કલ પાસે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તમામ મહાનુભાવો અને કાર્યકરો દ્વારા ભાવપૂર્વક પુષ્પાર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર અને વોર્ડ સંગઠનના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો, વરિષ્ઠ આગેવાનો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના તમામ સેલ, મોરચા અને વિવિધ સમિતિઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ ઉજવણીમાં જોડાઈને બાબા સાહેબના વિચારોને યાદ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે પદયાત્રા યોજીને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભાવનગરના રાજકીય અગ્રણીઓએ બાબા સાહેબના બંધારણીય પ્રદાન અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોને બિરદાવ્યા હતા.

