દ્વારકામાં તસ્કરોના પરોણા: મોબાઈલ રોકડની ચોરી
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૬
દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર આવેલા બરડીયા ગામે ગત તારીખ 19 ના રોજ રાત્રિના સમયે કેટલાક પરપ્રાંતિય શ્રમિક યુવાનો સુતા હતા, ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો અહીં આવ્યા હતા અને જુદા જુદા આસામીઓના રૂ. 13 હજાર રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના જુદા જુદા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 23,000 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના રહીશ અને હાલ બરડીયા ગામે રહેતા નંદલાલભાઈ ચૌહાણ રાજપુત (ઉ.વ. 34) ની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, દ્વારકાના પી.એસ.આઈ. પી.કે. ડાંગર દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
