Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીમાં કુલ 4.51 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ ચાર તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આગામી રવિવાર તા. 26 ના રોજ મતદાન તેમજ તા. 28 ના રોજ મતગણતરી થનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
જિલ્લામાં જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતમાં કુલ મતદારો 3,89,617 છે. જેમાં પુરુષ મતદારો 2,03,103 અને સ્ત્રી મતદારો 1,86,511 અને અન્ય 3 મતદારો તેમજ નગરપાલિકામાં કુલ 61,726 મતદારો જેમાં પુરુષ 31,942 અને સ્ત્રી 29,777 તેમજ અન્ય 7 મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લેશે.
લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તેમજ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી, પારદર્શક અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્ના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

– ઇવીએમની વિગતો –

આ ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇ.વી.એમ. બી.યુ. કુલ- 1090 તથા સી.યુ. કુલ-1034 નો ઉ૫યોગ થનાર છે. આ ઉ૫રાંત રીઝર્વ તરીકે ૫ણ વધારાના ઇ.વી.એમ. રાખવામાં આવ્યા છે.

– મતગણતરી કેન્દ્રો –

જિલ્લામાં આગામી મંગળવારે રાજ્ય ચૂંટણી આયોગની સૂચના અનુસાર સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થનાર છે. મતગણતરી કેન્દ્રોની વિગતોમાં ખંભાળિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ગણતરી અત્રે હરીપર વિસ્તારમાં આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, ખાતે, ભાણવડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ભાણવડમાં સરકારી વિનયન કોલેજ ખાતે, કલ્યાણપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ત્યાંની સરકારી વિનયન કોલેજ ખાતે, દ્વારકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારકાની એન.ડી.એચ. હાઇસ્કુલ ખાતે, ખંભાળિયા નગરપાલિકાની ગણતરી અહીંની પ્રાંત કચેરી ખાતે, જામ રાવલ નગરપાલિકાની રાવલમાં એચ.જી.એલ. હાઇસ્કુલ ખાતે તથા સલાયા નગરપાલિકા પેટાચૂંટણીની મતગણતરી અહીં જિલ્લા પંચાયત કચેરીમાં બીજા માળે સિંચાઇ શાખા હોલ ખાતે થશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *