Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન પ્રક્રિ યા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: હારજીતના થતા દાવા ઓ – કાળઝાળ ગરમીમાં મતદારોને બૂથ સુધી પહોંચાડવ ા ઉમેદવારોની દોડધામ –


જામ ખંભાળિયા, તા. ૨૬-૦૪-૨૦૨૬

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજરોજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સાથે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત તેમજ ખંભાળિયા નગરપાલિકા અને રાવલ નગરપાલિકા સાથે સલાયાની એક બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આજે દિવસ દરમિયાન થયેલી આ મતદાન પ્રક્રિયા એકંદર શાંતિપૂર્ણ રહી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ વિવિધ સ્થાનિક સ્વરાજ્યની પૂર્વે જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આજરોજ મતદાન પૂર્વે ગતરાત્રે ઉમેદવારો-ટેકેદારો માટે કતલની રાતમાં મતદારોને છેલ્લી ઘડીએ મનાવવા, રિઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે સવારથી જિલ્લાના જુદા જુદા મતદાન બુથ પર પોલિંગ સ્ટાફ તેમજ ઉમેદવારના એજન્ટ ગોઠવાઈ ગયા હતા. આજરોજ મતદાનના દિને 40 ડિગ્રી સુધીના ગરમીભર્યા માહોલમાં મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે ઉમેદવારોના પગે પાણી ઉતરી આવ્યા હતા. આજે સવારથી જિલ્લાના લોકોને મહત્તમ મતદાન કરવા માટે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો વિગેરે દ્વારા સોશિયલ મીડિયામાં અપીલનો મારો ચલાવવામાં આવ્યો હતો. કેટલાક સ્થળોએ રોકડ રકમની લેતી-દેતીના આક્ષેપો પણ થયા હતા.
મતદાનના આ મહાપર્વમાં શતક વટાવી ચૂકેલા વડીલો, દિવ્યાંગ મતદારો, વરરાજાઓ વગેરેએ મતદાન કરી અને સૌને પોતાના મતનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે પોલીસ તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ જરૂરત મુજબ મતદારોને સહાયભૂત થઈ પોતાની ફરજ નિષ્ઠા વ્યક્તિ કરી હતી. આજરોજ સાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા એકંદર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય આગેવાનોએ હારજીતના દાવાઓ પણ વ્યક્ત કર્યા હતા. આ સાથે રાજકીય પંડિતોએ મતદાનના આંકડા મેળવીને ઉમેદવારોની જીતની લીડ કે હારના આંકડાના અંદાજ વ્યક્ત કર્યા હતા.
અહીં મતદાન દરમિયાન ઈ.વી.એમ.માં ખરાબી કે અન્ય કોઈ વિક્ષેપ સર્જાયો ન હતો. આ તમામ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.એમ. તન્ના, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ચૂંટણી સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *