Headlines

વિશ્વ પશુચિકિત્સા દિવસ નિમિત્તે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ‘વેટ સંગમ 2026’નું ભવ્ય આ યોજન


જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬

વિશ્વ પશુચિકિત્સા દિવસના અવસરે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, ગુજરાત દ્વારા અમદાવાદના નરોડા કેમ્પસ ખાતે ‘વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરિયન્સ’ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નિવૃત્ત પશુચિકિત્સકોના વર્ષોના બહોળા અનુભવનો લાભ લઈ ગુજરાતની પશુ સેવાઓને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવાનો રહ્યો હતો. આ પ્રસંગે સમગ્ર રાજ્યમાંથી આવેલા વેટરનરી ડોક્ટરોએ પશુપાલન ક્ષેત્રે આવતા પડકારો, પશુચિકિત્સા અને ઇમરજન્સી સેવાઓના સુધારા અંગે પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કર્યા હતા.
આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ વિશેષ પશુપાલન વિભાગના ડાયરેક્ટર ફાલ્ગુની ઠાકર, ગર્વ (GARVA) ના પ્રેસિડેન્ટ ડૉ. ડી.કે. પટેલ, નિવૃત ડીન ડૉ. ડી.વી. જોશી, વરિષ્ઠ નિષ્ણાત ડૉ. સંજય ડાભી અને જામનગરના પૂર્વ નાયબ પશુપાલન નિયામક અને ગુજરાત વેટરનરી કાઉન્સિલના વડા ડૉ. ભગીરથ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સંસ્થાના સી.ઓ.ઓ. જશવંત પ્રજાપતિએ આ અવસરે નિવૃત્ત ડોક્ટરોના જ્ઞાન અને અનુભવને સંસ્થાના વિઝન સાથે જોડી પશુ સેવાઓને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સંસ્થાના પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડા અને એચ.આર. હેડ આશિષ ધોમસેના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 16 જેટલા વરિષ્ઠ વેટરનરી ઓફિસરનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ભૌમિક પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમની રૂપરેખા અને તેના હેતુ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે તમામ મહેમાનોએ કેક કટિંગ કરી પશુચિકિત્સા ક્ષેત્રની સેવાનો ઉત્સવ મનાવ્યો હતો અને EMRI GHS કેમ્પસની વિઝિટ કરી 1962 સેવાઓની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ રાજ્યમાં પશુ સારવાર ક્ષેત્રે અનુભવ અને આધુનિકતાના સમન્વય તરીકે સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. જામનગર દ્વારકા ઝોન 1962 ના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાનના વડપણ હેઠળ જામનગર 1962 ટીમ ના પશુ ચિકિત્સકો કાર્યક્રમમાં ભાગ લીધો અને અનુભવી પશુ ચિકિત્સકોના અનુભવથી લાભાન્વિત થયા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *