Headlines

નવારતનપરના સરપંચનો પંચાયતની લાઇબ્રેરી અંગે નવો ખુલાસો: વિદ્યાર્થીઓ માટે જ ખુલ્લી છે અને રહેશે લાઇબ્રેરી


ગેરકાયદે પ્રવૃત્તિ કે અંગત ધંધા માટે પંચાયતની મિલકતનો ઉપયોગ નહીં ચલાવી લેવાય, નિયમો સાથે વિદ્યાર્થીઓને નવેસરથી જવાબદારી સોંપાશે

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

ભાવનગર તાલુકાના નવારતનપર ગામના હિંમતવાન સરપંચ તરીકે ઓળખાતા ગૌતમ બારૈયાએ ગામની લાઇબ્રેરી બંધ કરાવી હોવાના અક્ષેપોનું ખંડન કરતા મહત્વનો ખુલાસો કર્યો છે. સરપંચે જણાવ્યું છે કે, લાઇબ્રેરીનો વહીવટ અગાઉ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ પાસે હતો, પરંતુ હવે તેનો કબજો પંચાયતને સોંપી દેવામાં આવ્યો છે. હાલમાં પંચાયત દ્વારા જવાબદાર વિદ્યાર્થીઓને ચાવી સોંપવામાં આવી છે અને કોઈ પણ ભેદભાવ વગર દરેક વિદ્યાર્થી ત્યાં વાંચન માટે આવી શકે છે. સરપંચે સ્પષ્ટ કર્યું હતું કે લાઇબ્રેરી એ ગ્રામ પંચાયતનું જાહેર સ્થળ છે અને તેનો ઉપયોગ માત્ર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને વાંચન માટે જ થશે. કોઈ પણ વ્યક્તિ પોતાની અંગત વસ્તુઓ રાખવા કે ખાનગી પ્રવૃત્તિ માટે આ સ્થળનો ઉપયોગ કરી શકશે નહીં.

​ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના પ્રવીણ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાઇબ્રેરીની ચાવી જૂંટવી લેવાનો આક્ષેપ થયો હતો. આ અંગે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટના રાકેશ બામણીયાએ “ધ ગ્રેટ વર્લ્ડ”ને જણાવ્યું કે કે, ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણના કાર્યક્રમ માટે લાખોની કિંમતના ચોપડાઓ સુરક્ષિત રાખવા કોઈ જગ્યા ન મળતા લાઇબ્રેરીના રૂમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તે માટે પંચાયતની આ લાઇબ્રેરીની રૂમ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ ચોપડા ત્યાં જ છે. અને થોડા દિવસ માટે લઈ લેવામાં આવશે. જોકે, હકીકત એ છે કે સરકારી મિલકતમાં પંચાયતની મંજૂરી વગર આ રીતે પ્રવેશ કરવો તે ગેરકાયદે ગણાય. ધંધાદારી ચોપડા વિતરણ એ નફાકારક પ્રવૃત્તિ હોવાથી જાહેર મિલકતનો આવો ઉપયોગ કરવા બદલ સવાલો ઉઠ્યા છે. આ મામલે રાકેશ બાંભણીયાએ સ્વીકાર્યું છે કે હવે પછી આવી કોઈ પણ પ્રવૃત્તિ માટે સરપંચની મંજૂરી લેવામાં આવશે.

​સરપંચ ગૌતમ બારૈયાએ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ખાતરી આપી છે કે, આગામી થોડા જ દિવસોમાં લાઇબ્રેરીમાં કોઈ પણ અણછાજતા બનાવ ન બને તે માટે નવેસરથી નિયમો બનાવી વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવામાં આવશે. લાઇબ્રેરીમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે જેથી વિદ્યાર્થીઓનું વાંચન વધુ સુરક્ષિત અને સુવિધાજનક બની શકે. સરપંચે તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના સંકોચ વગર લાઇબ્રેરીના પુસ્તકોનો લાભ લેવા અને પોતાની કેરિયર ઉજ્જવળ બનાવવા અનુરોધ કર્યો છે. હવે આ લાઇબ્રેરીનો ઉપયોગ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ થાય તેવી કડક વ્યવસ્થા પંચાયત દ્વારા ગોઠવવામાં આવી રહી છે. આ નવી વ્યવસ્થા ગોઠવાય નહીં ત્યાં સુધી પણ અત્યારે તો હાલમાં લાઇબ્રેરી તમામ વિદ્યાર્થીઓ માટે સુલભ છે. વિદ્યાર્થીઓએ આ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *