Headlines

પોરબંદર જિલ્લાના નિવૃત સહાયક વન સંરક્ષકની પ્રકૃતિ અને જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ‘ઝેરમુક્ત’ જંગ!


ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

સામાન્ય રીતે નિવૃત્તિ પછી લોકો આરામનું જીવન પસંદ કરતા હોય છે, પરંતુ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના પીપળીયા ગામના ગિરીશભાઈ ગોઢાણિયા માટે નિવૃત્તિ એ એક નવા ‘મિશન’ની શરૂઆત હતી. વર્ષો સુધી વન વિભાગમાં ફરજ બજાવતા ગિરીશભાઈએ જંગલના રાજા સિંહથી લઈને આકાશમાં ઉડતા પક્ષીઓને રાસાયણિક પ્રદૂષણને કારણે તરફડીને મૃત્યુ પામતા જોયા હતા. એ દ્રશ્યોએ તેમના મનમાં એક ઊંડો ઘા કર્યો હતો.

ગિરીશભાઈએ જ્યારે 2017માં પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો, ત્યારે રસ્તો આસાન નહોતો. તેમણે રાસાયણિક દવાઓ વાપરવાની મનાઈ કરી તો વર્ષો જૂના ભાગીદારો સાથ છોડી ગયા. ખેતરમાં એકલા પડી જવાનો ડર કોઈ પણ માણસને હચમચાવી દે, પણ ગિરીશભાઈ મક્કમ હતા. તેમણે વિચાર્યું કે, “જો હું વન્યજીવોને બચાવવા ખાખી પહેરી શકતો હોઉં, તો માનવજાતને બચાવવા હળ કેમ ન પકડી શકું?” તેમણે જાતે મજૂરો સાથે ખભેખભા મિલાવીને ગાય આધારિત ખેતી શરૂ કરી. તેમણે ‘નીરવ ઓર્ગેનિક ગીર ગાય ફાર્મ એન્ડ બ્રિડીંગ સેન્ટરની સ્થાપના કરીને લગભગ 20 વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને અનુસરીને ખેતી શરૂ કરી છે. અહીં તેઓ ઘઉં, મગફળી, નાળિયેર,મગ, શાકભાજી અને ચીકુ કેળા જેવા પાકનું ઉત્પાદન કરે છે.

ફોરેસ્ટ ઓફિસર તરીકેની તેમની સફરે તેમને એક કડવું સત્ય સમજાવ્યું હતું. તેમણે જોયું હતું કે ખેતરોમાં વપરાતું યુરિયા જ્યારે જળસ્ત્રોતોમાં ભળે છે ત્યારે તે સિંહો અને અન્ય વન્યજીવો માટે સાક્ષાત યમરાજ બની જાય છે. પક્ષીઓના શરીરમાં ઉતરેલું ઝેર જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠતું. આ જ પીડા તેમને ‘પ્રાકૃતિક ખેતી’ તરફ દોરી ગઈ. તેમના માટે આ માત્ર ખેતી નથી, પણ કુદરતનું ઋણ અદા કરવાનો એક માર્ગ છે.

લોકો કહેતા કે કેમિકલ વગર ખેતી ન થાય, પણ આજે ગિરીશભાઈએ એ ભ્રમ તોડી નાખ્યો છે. આજે તેમને ઘઉં અને મગફળીના તેલના વેચાણમાં બજાર કરતા બે ગણો ભાવ મળે છે. ગ્રાહકોના ચહેરા પરનું સ્મિત અને તેમના આશીર્વાદ એ સૌથી મોટી કમાણી છે. સાથે જ તેમના ખેતરમાં તૈયાર થતી પેદાશો આજે અનેક પરિવારો માટે સ્વાસ્થ્યની ગેરંટી બની છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના આહવાનને ઝીલીને ગિરીશભાઈ હવે માત્ર ખેડૂત મટીને એક માર્ગદર્શક બન્યા છે. તેઓ પોતાની વાડીમાં ખેડૂતોની સભાઓ ભરે છે. અને અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રેરણા આપે છે. ગિરીશભાઈ ગોઢાણિયાની આ સફર એ વાતની સાબિતી છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય અને કુદરત પ્રત્યે સંવેદના હોય, તો એક વ્યક્તિ પણ પરિવર્તનની લહેર લાવી શકે છે. આજે પીપળીયા ગામનો આ ‘પ્રાકૃતિક સૈનિક’ આખા ગુજરાત માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *