માનવ સ્વાસ્થ્ય સાથે છેડા કરતા શખ્સ સામે એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી –
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬
ખંભાળિયામાં આવેલી એક જાણીતી ડેરીના સંચાલક દ્વારા માનવ સ્વાસ્થ્ય જોખમાય તે પ્રકારના ડેરી પ્રોડક્ટ વેચતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી, ડુપ્લીકેટ પનીર સહિતનો મુદ્દામાલ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે જુદા જુદા ડેરી પ્રોડક્ટના સેમ્પલો મેળવી અને લેબોરેટરી તપાસ કરવા માટે મોકલ્યા છે.
આ ચકચારી પ્રકરણ અંગે એસ.ઓ.જી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ઈરફાનભાઈ ખીરા અને યોગેશભાઈ ડોડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં રાવળા પાડો, ડો. કેશુભાઈ વાળી ગલીમાં રહેતા અને અત્રે ભગવતી મેરેજ હોલની સામે આવેલી જલારામ ડેરીવાળા કેતન દિલીપભાઈ નટવરલાલ આસાણી નામના 43 વર્ષના શખ્સ દ્વારા મોટા પ્રમાણમાં બનાવટી ડેરી પ્રોડક્ટનું ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવતું હોવા અંગેની બાતમીના આધારે અહીં ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં આ સ્થળે શંકાસ્પદ દૂધ અને કેમિકલો તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યને નુકસાન થાય તે પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન તેમજ વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે અખાદ્ય પનીરનો રૂ. 19,052 ની કિંમતનો આશરે 54 કિલોગ્રામથી વધુનો પનીરના જથ્થાનો નાશ કર્યો હતો. આ ઉપરાંત ભેળસેળ અર્થે વપરાતો સ્કીમ્ડ મિલ્ક પાવડરનો રૂ. 2.17 લાખની કિંમતનો 648 કિલોગ્રામ જથ્થો તેમજ ભેળસેળ અર્થે વપરાતું રૂ. 1,413 ની કિંમતનો 15.7 કિલોગ્રામ એસેટિક એસિડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જ્યારે અખાદ્ય પનીરનો ડમ્પિંગ સાઈટમાં નાશ કરવામાં આવ્યો હતો.
એસ.ઓ.જી. પોલીસે માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે તેવી ડેરી પ્રોડક્ટ કે જેમાં દૂધ, દહીં, પનીર, ઈલાયચી શિખંડ, મિલ્ક પાવડર, એસિટીક એસિડ વિગેરેના સેમ્પલો લઇ અને તેના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી ફુડ વિભાગને જાણ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગના ઇન્સ્પેક્ટર એચ.બી. ગુર્જર, પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, નિર્મલભાઈ આંબલીયા, યોગેશભાઈ ડોડીયા, વિજયસિંહ જાડેજા અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.






