– ફટાકડા ફોડી, સૌના મોં મીઠા કરાવાયા –
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૬
બંગાળ સહિત જુદા જુદા પાંચ રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની રસાકસીભરી અને ઇંતેજારીભરી ચૂંટણીમાં ભાજપે ખાસ કરીને પડકારરૂપ એવા બંગાળ રાજ્યમાં વટભેર વિજય મેળવ્યો છે. આ સાથે અન્ય રાજ્યમાં પણ નોંધપાત્ર સીટો સાથે સત્તા ગ્રહણ કરતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપના ભવ્ય વિજય તેમજ તામિલનાડુ અને કેરળમાં આઝાદી પછીના ઐતિહાસિક પ્રદર્શનને વધાવવા માટે ગઈકાલે સોમવારે સાંજે ખંભાળિયામાં વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપની આ ઐતિહાસિક જીતની ઉજવણી માટે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જોધપુર ગેઈટ ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ ભાજપના હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને બંગાળમાં મમતા દીદીના ગઢ માં બેવડી સદી થી વધુ બેઠક મેળવતા આ ભવ્ય વિજયોત્સવના આયોજન અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ચૂંટણીના ઇન્ચાર્જ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા સહિતના હોદ્દેદારોએ ગગનભેદી વિજયનાદ સાથે ફટાકડા અને આતશબાજીની રમઝટ બોલાવી હતી. આ સાથે અહીં ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવાયા હતા.
આ વિજયોત્સવમાં પ્રમુખ મયુરભાઈ ગઢવી, કાઉન્સિલર રસિકભાઈ નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, મોહિતભાઈ મોટાણી, રાજ પાબારી, રવિ ગોકાણી, નિકુંજ વ્યાસ સહિતના આગેવાનો-હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય જીતને હોંશભેર વધાવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)





