ધ ગ્રેટ વર્લ્ડ, ખંભાળિયા
ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે સ્વ. શાંતાબેન લાલજીભાઈ બકરાણીયા પરિવારના સૌજન્યથી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે ખંભાળિયા નગરપાલિકાના તત્કાલીન કાઉન્સિલર જગુભાઈ રાયચુરા તથા નમ્રતાબેન રાયચુરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં માનવ સેવા સમિતિના પ્રમુખ મનુભાઈ પાબારીએ સૌનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ સર્વેનો પરિચય આપી કેમ્પની રૂપરેખા આપી હતી. ઉદ્ઘાટક જગુભાઈ રાયચુરાએ પ્રાસંગિક પ્રવચનમાં સર્વે આયોજકોને અભિનંદન આપી દાતાઓની ભાવનાને બિરદાવી આગામી કેમ્પ માટે તેઓના પરિવાર તરફથી કેમ્પ માટે આર્થિક સહયોગ આપી વધુને વધુ સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા અપીલ કરી હતી. આ કેમ્પનો લાભ 45 જેટલા દર્દીઓએ લાભ લઈ દવા માર્ગદર્શન સારવાર મેળવ્યું હતું. ઓપરેશનની જરૂરિયાતવાળા 17 દર્દીઓને ઓપરેશન માટે તે જ દિવસે રાજકોટની રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ ખાતે લઈ જઈ ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી સુભાષભાઈ બારોટ, કારોબારીના હેમંતભાઈ જેઠવા, રામભાઈ નકુમ, સુંદરજીભાઈ સુરેલીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આભાર દર્શન સંસ્થાના ટ્રસ્ટી વિમલભાઈ સાયાણીએ કર્યું હતું.____________________________________________________________________________(કુંજન રાડિયા)
