Headlines

બીમારીથી કંટાળીને દ્વારકાના વૃદ્ધે ગળાફાંસો ખાધો


ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા

      દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા મેઘજીભાઈ ભગવાનજીભાઈ લુવાણીયા નામના 65 વર્ષના વૃદ્ધ છેલ્લા આશરે બે વર્ષથી શ્વાસની તથા માનસિક બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે પોતાના હાથે પોતાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની કુંવરબેન મેઘજીભાઈ લુવાણીયા (ઉ.વ. 62) એ દ્વારકા પોલીસને કરી છે. 

_____________________________________________________________________________

ખાખરડાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

        કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા મહિપતસિંહ મનુભા અભેસંગ જાડેજા નામના 54 વર્ષના ગરાસિયા શખ્સને એસ.ઓ.જી. પોલીસે રૂપિયા 19,170 ની કિંમતના આશરે 384 ગ્રામ જેટલા ગાંજા તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો જામનગરના રહીશ દિનેશ ગોજીયાએ તેને વેચાણ અર્થે આપ્યો હોવાનું કબુલતા કલ્યાણપુર પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, મહિપતસિંહ મનુભા જાડેજાની અટકાયત કરી, દિનેશ ગોજીયાને હાલ ફરાર જાહેર કર્યો હતો.

_____________________________________________________________________________

દ્વારકાના યુવાનને માર મારી, ધમકી આપવા સબબ ત્રણ સામે ફરિયાદ

     દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતે રહેતા સલીમભાઈ જુમાભાઈ ઈસબાણી નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 12 ના રોજ બજારમાંથી જઈ રહ્યા હતા, ત્યારે કોઈ બાબતે અગાઉના વાંધા અંગેનો ખાર રાખીને જુસબ ઉર્ફે જુસલી મામદ લુચાણી, સમીર જુસબ લુચાણી અને આશિયાના જુસબ લુચાણી નામના ત્રણ વ્યક્તિઓએ લોખંડના પાઈપ, લોખંડની દાંતી તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી, ફરિયાદી સલીમભાઈ ઇસબાણીના પુત્ર મહમદ તેમના ભત્રીજા અફજલ અને પુત્રવધુ નૂરજહાંબેનને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

      જે અંગે દ્વારકા પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

_____________________________________________________________________________

ખંભાળિયા: જાહેરમાં બખેડો કરતા બે શખ્સો સામે પોલીસ કાર્યવાહી

       ખંભાળિયાના સલાયા ફાટક વિસ્તારમાં મયુરસિંહ ભીખુભા રાઠોડ (ઉ.વ. 26, રહે. દખણાદા બારા) અને મયુર આસપાર ધનાણી (રહે હર્ષદપુર) નામના બે શખ્સોએ જાહેરમાં એકબીજા સામ-સામે મારામારી કરી, ઝઘડો કરતા જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા સબબ પોલીસે ફરિયાદી બની, બંને શખ્સો સામે બી.એન.એસ.ની કલમ 194(2) મુજબ કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *