જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬
દિવ્યાંગોના સર્વાંગી વિકાસ અને સહાય માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા મુજબ વિવિધ સહાયક સાધનો પૂરા પાડવામાં આવશે. જેમાં અંધત્વ માટે સ્માર્ટ કેન, સ્માર્ટ ફોન, બ્રેઈલ કિટ, વિઝ્યુઅલ ઈમ્પેરડ કિટ, શ્રવણ ક્ષતિ માટે બંને કાન માટે હિયરિંગ એઈડ્સ (BTE), ઓછી દ્રષ્ટિ માટે ચશ્મા, લોકોમોટર દિવ્યાંગતા માટે વ્હીલચેર, ટ્રાઈસિકલ, વોકિંગ સ્ટીક, કાખઘોડી, એલ્બો કપ, કેલિપર્સ તથા કૃત્રિમ અંગો, સેરેબ્રલ પાલ્સી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, માનસિક અસમર્થતા તથા મલ્ટિપલ ડિસેબિલિટી ધરાવતા લાભાર્થીઓ માટે જરૂરી ટી.એલ.એમ. કિટ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
જેમાં યોજના અંતર્ગત 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તથા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમોટર, મલ્ટિપલ ડિસેબિલિટી (લોકોમોટર સાથે), મસ્ક્યુલર ડિસ્ટ્રોફી તથા સેરેબ્રલ પાલ્સી ધરાવતા લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવામાં આવશે અને અસ્થિ વિષયક દિવ્યાંગોને ટુ-વ્હીલર સહાય યોજનામાં 40 ટકા કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી તથા પુરુષ લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. લાભાર્થી દ્વારા સ્કૂટર ખરીદી કર્યા બાદ રૂ. 25 હજારની સહાય રકમ સીધી જ તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવશે.
આ તમામ યોજનાઓનો લાભ લેવા માટે તા. 30 જૂન સુધી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, એ/જી- 3, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળિયા, (જિ. દેવભૂમિ દ્વારકા) ખાતે સંપર્ક કરવા અથવા ફોન નં. 02833-299433 પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
