ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દારૂ, જુગાર અને અકાળ મોતના અનેક બનાવો સામે આવતા પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. જિલ્લાની વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અનુસાર અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુછડી વાડી પાસે ચામુંડા મંદિર સામે શ્રીનગર જતા રોડ ઉપર પોલીસે દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારી રહેલા એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અવિન ઉર્ફે ખોડા સાજણભાઈ કેશવાલા, ઉંમર ૩૫, રહે. વિસાવાડા ચામુંડા મંદિર પાસે, દારૂના નશામાં જીજે-૧૦-બીજી-૨૯૬૪ નંબરની ફોરવ્હીલ ગાડી ચલાવતો ઝડપાયો હતો. આ કાર્યવાહી પીસીઆર પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બીજી તરફ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાણા ગામે માવજી ચોક વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી ૫૨ પત્તાં અને રૂ. ૮,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં સવદાસભાઈ ભીમાભાઈ ઓડેદરા, લખમણભાઈ ડોસાભાઈ ઓડેદરા, રામભાઈ રાણાભાઈ ઓડેદરા સહિતના લોકોનો સમાવેશ થાય છે.
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાપટ નાગદેવતા મંદિર પાસે રહેતી સોનાબેન મનજીભાઈ પરમારના મકાનમાંથી દેશી દારૂની સાત લીટર કોથળીઓ સાથે રૂ. ૧,૪૦૦નો જથ્થો ઝડપાયો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
જિલ્લામાં બે અકાળ મોતના બનાવો પણ નોંધાયા હતા. બખરલા ગામ નજીક ૬૦ વર્ષીય જીવાભાઈ કાનાભાઈ ખૂંટીનું અગમ્ય કારણોસર મોત થયું હતું. જ્યારે અરબી સમુદ્રમાં MV H.M.M. Garnet નામના જહાજમાં ફિલિપાઇન્સના ૪૯ વર્ષીય ક્રૂ મેમ્બર REX ANTHONY OBNAMIA INCIONG બેભાન થઈ જતા કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરાયા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
