Headlines

ઘેડ વિસ્તારનો થશે ઉદ્ધાર, ખેડૂતોની સુખાકારી માટે કટિબદ્ધ સરકાર


મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યના સતત પ્રયત્નોથી ઘેડ વિસ્તારની પાણીના નિકાલની સમસ્યાનો કાયમી હલ માટેની કામગીરી પ્રગતિમાં

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર; સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનો ‘ઘેડ’ તરીકે ઓળખાતો આ પ્રદેશ કુદરતી રીતે નદીઓના સંગમ અને દરિયાના મિલનનું સ્થાન છે, પરંતુ વર્ષોથી આ આશીર્વાદ અહીંના લોકો માટે આફત સાબિત થયા છે. ભાદર, ઓઝત, મધુવંતી અને મીણસાર જેવી નદીઓ જ્યારે પૂરના પાણી લાવે છે, ત્યારે આ સપાટ અને છીછરો વિસ્તાર મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ થઈ જાય છે. ચોમાસાના ચાર-પાંચ મહિના અહીંના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે, જાણે દરિયાની વચ્ચે નાના-નાના ટાપુઓ ન હોય. આ માત્ર ભૌગોલિક સમસ્યા નથી, પરંતુ હજારો પરિવારોની રોજીરોટી અને જીવનમરણનો પ્રશ્ન છે. ખેડૂતો પોતાની કિંમતી જમીન હોવા છતાં ચોમાસુ પાક લઈ શકતા નથી અને શિયાળુ વાવેતરમાં મોડું થતાં તેમનો આખા વર્ષનો શ્રમ એળે જાય છે.

આ વિકટ પરિસ્થિતિનો કાયમી અંત લાવવા માટે ગુજરાત સરકાર હવે મક્કમ પગલે આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા સહિત સ્થાનિક ધારાસભ્યો તેમજ આગેવાનોના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ લાવવા માટે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના થકી મૂળ સમસ્યાનો કાયમી નિકાલ આવશે અને તેનો સૌથી વધુ ફાયદો ખેડૂતો તથા નાગરિકોને થશે.

પોરબંદર જિલ્લાના ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઈજનેર મીલન સોરઠીયાએ આ અંગે જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારની આ જૂની અને જટિલ સમસ્યાને ઉકેલવા માટે ત્રિ-સ્તરીય આયોજન એટલે કે ત્રણ ફેઝમાં કામગીરી કરવામાં આવી છે. આ યોજનાના કેન્દ્રમાં માત્ર એન્જિનિયરિંગ નથી, પરંતુ આ વિસ્તારના ખેડૂતોનું હિત અને ખેતીલાયક જમીનને બચાવવાનો માનવીય અભિગમ પણ છે.

હાલમાં પ્રથમ તબક્કાના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. અંદાજે રૂ. 120 કરોડના ખર્ચે 14 જેટલા મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, જેમાં નદીઓ, તળાવો અને કેનાલોમાંથી વર્ષોથી જમા થયેલો કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. જળાશયો અને વહેણોને વધુ પહોળા કરવામાં આવી રહ્યા છે જેથી પૂરના પાણી રોકાવાને બદલે ઝડપથી દરિયામાં વહી જાય. સરકારનું લક્ષ્ય છે કે આ કામો આગામી ચોમાસા પહેલા પૂર્ણ થાય, જેથી આ વર્ષે પૂરની અસર નહિવત જોવા મળે.

આ ઉપરાંત, આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો એટલે કે ફેઝ-2 માટે પણ પોરબંદર જિલ્લામાં આશરે રૂ. 1420 કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી મળી ગઈ છે. હવે તાંત્રિક મંજૂરી અને ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે. આ તબક્કામાં નદીઓનું રિમોડેલિંગ, ઇન્ટરલિંકિંગ અને પૂર સંરક્ષણની દીવાલો જેવા મોટા કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટથી માત્ર પાણીના નિકાલની સમસ્યા જ નહીં ઉકલે, પરંતુ દરિયાના ખારા પાણીને જમીનમાં પ્રવેશતા અટકાવવા માટે બાંધવામાં આવતા બંધારાને કારણે જમીનની ફળદ્રુપતા પણ વધશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *