ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી યુ જાડેજા દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજાને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તપાસમાં હતા. આ કામગીરી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ઓડેદરાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી નાસતો ફરતો આરોપી પ્રદીપ સીયારામ ગુર્જર હાલ પોરબંદરમાં છે.
બાતમી મુજબ આરોપી પ્રદીપ સીયારામ ગુર્જર પોરબંદર રેલ્વે સ્ટેશન બહાર આવેલી કાઠલી કૃપા ગેસ્ટ હાઉસની સામે રોડ પર હોવાની હકીકત મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે ત્યાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી ૨૭ વર્ષનો છે અને તે ટ્રેનમાં એટેન્ડન્ટની નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તે મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના બરેન્ડા ધુરૈયા કા પુરા ગામનો વતની છે. આરોપી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે પોલીસની ધરપકડથી બચવા નાસતો ફરતો હતો.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજા સાથે એએસઆઈ મહેબૂબખાન બેલીમ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઈ ગોરાણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ગરચર, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ઓડેદરા અને ચંદ્રસિંહ જાડેજા જોડાયેલા હતા. એસઓજી દ્વારા આરોપીને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવી છે.
