Headlines

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો વળતો પ્રહાર: “મારી સામેના તમામ આક્ષેપો બેબુનિયાદ, સરકારી જમીન પર દબાણ કરનારા સભ્યોનું કાવતરું”


​ધ ગ્રેટ વર્લ્ડ સાથેની

ખાસ વાતચીતમાં સરપંચે ભ્રષ્ટાચારના આરોપો નકાર્યા; એન્જિનિયરની તપાસમાં કામ યોગ્ય હોવાનો દાવો, વારંવારની હેરાનગતિથી આપઘાતની સ્થિતિ આવી હોવાની વેદના

ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર
ભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને કરાયેલી લેખિત રજૂઆત બાદ ગામનું રાજકારણ ગરમાયું છે. અગાઉ ગ્રામજન અલ્પેશ બારૈયા અને પંચાયતના કેટલાક સભ્યો દ્વારા સરપંચ ગૌતમ બારૈયા અને તત્કાલીન પંચાયત મંત્રી દલસુખભાઈ જાની સામે માસિક બેઠકો ન યોજવા, સીસી રોડ ઉપર બ્લોક નાખવાના કામમાં ગેરરીતિ કરવા, સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં કૌભાંડ આચરવા તેમજ અવિશ્વાસ પ્રસ્તાવ વખતે આત્મહત્યાની ધમકીઓ આપવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ તમામ આક્ષેપો પર પોતાનો પક્ષ રાખતા નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાએ ‘ધ ગ્રેટ વર્લ્ડ’ સાથેની વિશેષ વાતચીતમાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે પોતાની સામે થયેલી રજૂઆતોને સદંતર ખોટી, પાયાવિહોણી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ છુપાવવા માટે ઘડાયેલું રાજકીય કાવતરું ગણાવ્યું છે.
​”કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, એન્જિનિયરે તપાસ કરીને જ પેમેન્ટ મંજૂર કર્યું છે”
​અગાઉ વિરોધી સભ્યો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે એટીવીટી (ATVT) યોજના હેઠળ મંજૂર થયેલા સીસી (RCC) રોડની ઉપર જ બ્લોક બેસાડીને મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને આ બ્લોક એક જ મહિનામાં ઉખડી ગયા છે. આ બાબતે ખુલાસો કરતા સરપંચ ગૌતમ બારૈયાએ જણાવ્યું હતું કે, મારા દ્વારા ગામના કોઈ પણ વિકાસ કાર્યમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી કે કોઈ નાણાકીય ગેરરીતિ થઈ નથી.
​તેમણે ઉમેર્યું કે, બ્લોક નાખવાના જે કામ અંગે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, તે કામનું સરકારી નિયમોનુસાર મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ખુદ સરકારી એન્જિનિયર (તકનીકી અધિકારી) સ્થળ પર આવીને આખા કામનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને તપાસ કરી ગયા છે. એન્જિનિયરની સત્તાવાર તપાસમાં આ કામ તમામ માપદંડો મુજબ બિલકુલ યોગ્ય અને ‘ઓકે’ જાહેર થયું હતું. સરકારી વહીવટી પ્રક્રિયા હેઠળ કામની મંજૂરી મળ્યા બાદ જ તેનું કાયદેસર પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે. આથી, કામ નબળું હોવાના કે ભ્રષ્ટાચારના આરોપો માત્ર મને અને પંચાયતના વહીવટને બદનામ કરવા માટે જ ઉભા કરવામાં આવ્યા છે.
​સરકારી જમીન પર દબાણ કરનારા સભ્યો વિરૂદ્ધ કાર્યવાહી રોકવાનું કાવતરું
​સરપંચ ગૌતમ બારૈયાએ પંચાયતના જ કેટલાક સભ્યો સામે ગંભીર વળતા આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, હકીકત એ છે કે ગ્રામ પંચાયતના કેટલાક સદસ્યો મારી પાસે ખોટા અને ગેરકાયદેસર કામો કરાવવા માટે સતત દબાણ લાવે છે. હું પંચાયતના વડા તરીકે કોઈ પણ ખોટું કામ કરવા તૈયાર નથી, જેના કારણે તેઓ મારી વિરૂદ્ધ પડ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પંચાયતમાં મકવાણા અને ગોહિલ અટક ધરાવતા બે સભ્યો ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને બેઠા છે.
​એક તરફ, પંચાયતના નિયમો અનુસાર આ સભ્યોને ગેરલાયક ઠરાવવા માટે મારા દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. પોતાની સભ્યતા ગુમાવવાનો ડર હોવાથી, આ કાર્યવાહીને કોઈપણ ભોગે અટકાવી દેવા માટે તે લોકોએ મોરચો માંડ્યો છે. તેઓ મને સરપંચ પદ પરથી જ હટાવી દેવા માટે અંદરોઅંદર કાવતરાં ઘડી રહ્યા છે. ડીડીઓ સમક્ષ કરવામાં આવેલી આ લેખિત રજૂઆત પણ તે કાવતરાનો જ એક ભાગ છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર આ સભ્યો જુદા-જુદા લોકોને પ્યાદા બનાવીને મારી સામે જાતજાતની જૂઠી રજૂઆતો કરાવી રહ્યા છે.

​”વિકાસ કાર્યોમાં વિઘ્ન, આવી પરિસ્થિતિમાં મારે આપઘાત કરવાનો દિવસ આવશે”
​અગાઉ સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે માર્ચ અને એપ્રિલ મહિનાની માસિક બેઠકો ન બોલાવીને રમતગમતનું મેદાન અને આરોગ્ય કેન્દ્રની જગ્યા ફાળવવા જેવા ગ્રામવિકાસના કામો સરપંચે અટકાવી દીધા છે, તેમજ અવિશ્વાસ પ્રસ્તાવ વખતે પંચાયત ભવનની બહાર આત્મહત્યાની ધમકીઓ આપી સભ્યોને રોકવામાં આવ્યા હતા. આ અંગે પોતાની વેદના ઠાલવતા સરપંચ ગૌતમ બારૈયાએ જણાવ્યું કે, હું દિવસ-રાત જોયા વગર ગામમાં આધુનિક સુવિધાઓ અને વિકાસના કામો કરવા માંગું છું, પરંતુ આ વિરોધી સભ્યો મને ચેનથી કામ કરવા દેતા નથી અને પંચાયતના વહીવટમાં સતત વિઘ્નો ઉભા કરે છે.
​અવિશ્વાસ પ્રસ્તાવના નામે પંચાયતને બાનમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરપંચે અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે, “એક તરફ હું ગામના ભલા માટે કામ કરી રહ્યો છું અને બીજી તરફ આ લોકો ખોટી રીતે પજવણી કરે છે. આવી માનસિક હેરાનગતિવાળી પરિસ્થિતિમાં જો વિરોધીઓ દ્વારા ફરી એક વખત પણ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવશે, તો મારા માટે જાણે આપઘાત કરવાના દિવસો આવશે.” તેમણે ઉમેર્યું કે ખોટા આક્ષેપો અને સતત થઈ રહેલા વિરોધના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
​આગામી દિવસોમાં વધુ બે સભ્યોને ગેરલાયક ઠરાવવાની કાનૂની લડાઈ તેજ બનશે
​નવા રતનપર ગ્રામ પંચાયતનો આ આંતરિક વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા સંકેતો આપતા સરપંચ ગૌતમ બારૈયાએ એક મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી જમીન પર દબાણ કરનારા વર્તમાન સભ્યો ઉપરાંત, આવનારા દિવસોમાં પંચાયતના નિયમોનો ભંગ કરનારા વધુ બે સભ્યો સામે ગેરલાયક ઠરવાની કાનૂની કાર્યવાહી થવા જઈ રહી છે. આ અંગેના જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ તૈયાર કરી લેવામાં આવ્યા છે.
​સરપંચે મક્કમતાપૂર્વક જણાવ્યું કે, મારી આ કાનૂની કાર્યવાહીથી બચવા અને પંચાયત પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે આ સભ્યો ગંદુ રાજકારણ ખેલી રહ્યા છે તે વાત હવે બિલકુલ નિશ્ચિત થઈ ગઈ છે. પંચાયત મંત્રી દલસુખભાઈ જાની અને સ્ટ્રીટ લાઈટોની ખરીદી અંગેના આક્ષેપો પણ તદ્દન પાયાવિહોણા છે અને સભ્યો પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓ પરથી વહીવટીતંત્રનું ધ્યાન ભટકાવવા માટે જ સીસીટીવી ફૂટેજ કે તપાસની માંગણીઓ કરી રહ્યા છે. સરપંચે વધુમાં કહ્યું કે પોતે કાયદાકીય રીતે સાચા છે અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *