Headlines

પોરબંદરમાં સગાઈ તૂટવાની અદાવતમાં યુવતીની ઘાતકી હત્યા


બે માસથી ચાલતા ગૃહકલેશ બાદ યુવતીના પરિવારે સગાઈ તોડવાનું કહેતા જ ભડકેલી સાસરી પક્ષની ત્રિપુટીએ ઘરમાં ઘૂસી ખેલાવ્યો લોહિયાળ ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


પોરબંદર શહેરના હાર્દ સમાન કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગાઈ તૂટવાના મનદુઃખમાં એક નિર્દોષ યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સગાઈના પવિત્ર સંબંધમાં પડેલી તિરાડ આખરે લોહિયાળ હત્યાકાંડમાં પરિણમતા સમગ્ર પોરબંદર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. બે પરિવારો વચ્ચે સંમતિથી થયેલી સગાઈ બાદ શરૂ થયેલો મનમોટાવ એટલી હદે વકરી ગયો કે, સાસરી પક્ષના સભ્યોએ આવેશમાં આવીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે કમલાબાગ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, પોરબંદરના બિરલા હોલ પાછળ આવેલા નેહા પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે, બ્લોક નંબર ૩૦૧ માં રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા લોહાણા જ્ઞાતિના યુવક હિત કિરીટભાઈ પોપટે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત વર્ષે ૧૫ જૂન ૨૦૨૫ ના રોજ હિત પોપટની સગાઈ બંને પરિવારની પરસ્પર સહમતિ અને રાજીખુશીથી પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતી સુહાસી જગદીશભાઈ રાયચુરા સાથે થઈ હતી. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યા બાદ, છેલ્લા બે માસથી સુહાસી અગમ્ય કારણોસર હિત તથા તેના પરિવારના સભ્યો સાથે અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા કરી ગાળાગાળી કરવા લાગી હતી.
મકાનમાં રોજબરોજના થતા આ કલેશ અને ઝઘડાઓથી કંટાળીને ફરિયાદી હિત પોપટે આ સંબંધ આગળ વધારવા ઈચ્છતો ન હોય, તેણે સુહાસીને આ સગાઈ તોડી નાખવાની વાત કરી હતી. પોતાની સાથે સગાઈ તોડવાની વાત સુહાસીને મનદુઃખ સમાન લાગી હતી અને તેનો બદલો લેવા માટે તેણીએ એક ઘાતકી યોજના બનાવી હતી. ૨૦ મે ૨૦૨૬ ના રોજ બપોરના આશરે ૩:૦૦ વાગ્યાના સુમારે સુહાસી પ્રથમ એકલી ફરિયાદી હિતના ઘરે ધસી ગઈ હતી. ત્યાં જઈને તેણીએ હિત અને તેના પરિવારના સભ્યોને બેફામ ગાળો આપી એલ-ફેલ બોલવાનું શરૂ કર્યું હતું. મામલો ગંભીર બનતા સુહાસીએ તાત્કાલિક પોતાના પિતા જગદીશભાઈ લીલાધર રાયચુરા અને માતા શિલ્પાબેન રાયચુરાને પણ ત્યાં બોલાવી લીધા હતા.
આરોપી માતા-પિતા અને પુત્રીની ત્રિપુટીએ ઘરમાં ઘૂસીને હિત, તેના મમ્મી-પપ્પા અને તેની બંને બહેનો પર હિચકારો હુમલો કરી દીધો હતો. ત્રણેય આરોપીઓએ આખા પરિવારને ઢીકાપાટુનો નિર્દયાપૂર્વક માર માર્યો હતો, જેમાં હિત અને તેના માતા-પિતાને શરીરે ગંભીર મૂઢ ઈજાઓ પહોંચી હતી. આરોપીઓ એટલેથી જ ન અટકતા આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. આ હિંસક દ્રશ્યો જોઈને હિતની પરિણિત મોટી બહેન વૃંદાબેન (ઉંમર વર્ષ ૩૫, રહેવાસી જૂનાગઢ) પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવા ગયા હતા.
પોતાનું પાપ કેમેરામાં કેદ થતું જોઈને આરોપી જગદીશ રાયચુરા ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં પડેલો પ્લાસ્ટિકનો પાઇપ લઈને વૃંદાબેનને મારવા દોડ્યો હતો. આ સમયે હિત પોતાની બહેનને બચાવવા વચ્ચે પડતા જગદીશે હિતને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. આ તકનો લાભ લઈને સુહાસી અને તેની માતા શિલ્પાબેને ‘આજે તો તને મૂકવી જ નથી’ તેમ કહીને ભારે આક્રોશ સાથે વૃંદાબેનને જોરદાર ધક્કો માર્યો હતો. ધક્કો એટલો પ્રચંડ હતો કે વૃંદાબેન સીધા ઓરડામાં રહેલા કબાટ સાથે જોરભેર ભટકાયા હતા અને નીચે પટકાઈ પડ્યા હતા. કબાટ અને જમીન સાથે માથાના ભાગે ગંભીર અને જીવલેણ આંતરિક ઈજાઓ પહોંચવાને કારણે વૃંદાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ લોહિયાળ ઘટના બાદ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. રામ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હિત પોપટની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ અને ૫૪ મુજબ હત્યા અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ વિઝિટેબલ ગુનાની ગંભીરતાને જોતા નાયબ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે મૃતક યુવતીના શવને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *