યુનિવર્સિટીની બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર-૪ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઝળક્યા
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર

સ્વામિનારાયણ ગુરુકુલ છાયા પોરબંદર સંસ્થાના સંસ્થાપક ગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના શુભાશીષ સાથે સંચાલિત સ્વામિનારાયણ હર્ષાબેન પદુભાઈ રાયચુરા કોલેજ ઓફ કોમર્સ છાયા-પોરબંદરે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બેચલર ઓફ કોમર્સ સેમેસ્ટર-૪ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યું છે. કોલેજનું કુલ પરિણામ ૯૨.૫૦ ટકા આવ્યું છે, જે સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કોલેજ કક્ષાએ પ્રથમ ક્રમ પર ૮૯.૯૧ ટકા સાથે ચાર્મી હરીશભાઈ નાદિયાધારા રહી છે. જ્યારે હેતવી હિરેનભાઈ ચોલેરાએ ૮૬.૫૫ ટકા મેળવી દ્વિતીય ક્રમ પોતાના નામે કર્યો છે. આ સાથે ચાંદની અશોકભાઈ પરમારે ૮૫.૬૩ ટકા મેળવી ત્રીજું સ્થાન, કંગના રાણાભાઇ ઓડેદરાએ ૮૫.૦૯ ટકા મેળવી ચોથું સ્થાન અને રાધિકા વિરેન્દ્રભાઈ લાખાણીએ ૮૩.૬૩ ટકા મેળવી પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો તથા સ્ટાફનું માર્ગદર્શન અને સતત મહેનત મહત્વપૂર્ણ સાબિત થઈ છે. સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રાયોગિક જ્ઞાન, વ્યવસાયિક તાલીમ, સેમિનાર અને વર્કશોપ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આ ઉત્તમ પરિણામ બદલ કોમર્સ વિભાગના વડા કિશનભાઈ દત્તાણી અને સમગ્ર સ્ટાફને ગુરુકુલ સંસ્થાના પેટ્રન ટ્રસ્ટી મેમ્બર દીપકભાઈ ડી જટાણીયા, ટ્રસ્ટી હરસુખભાઈ બુદ્ધદેવ, દાતા ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશદાસજી અને ગુરુકુલ સંસ્થાના તમામ વિભાગના આચાર્યોએ પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


