Headlines

કૂવો ગાળતા નીચે પટકાયેલા શિવા ગામના યુવાનનું અપમૃત્યુ


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬

     ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા આશિષભાઈ પરબતભાઈ રાવલિયા નામના 29 વર્ષના યુવાન ગઈકાલે શુક્રવારે બપોરના સમયે તેમની ખેતીની જમીનમાં આવેલો કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. રસ્સાની મદદથી તેઓ કુવાની અંદર ઉતર્યા બાદ ચઢતી વખતે તેમના હાથમાંથી રસ્સો છૂટી જતા તેઓ યુવાની અંદર પટકાઈ પડ્યા હતા. જેથી કુવામાં રહેલી પથ્થરની ધાર સાથે તેમનું માથું અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જયેશભાઈ જગાભાઈ રાવલિયા (રહે. શિવા) એ ભાણવડ પોલીસને કરી છે.

_____________________________________________________________________________

સુદર્શન સેતુ પર ગરબા રમી, અડચણ ઉભી કરવા સબબ ચાર યુવતીઓ સામે ફરિયાદ

     ઓખા મંડળમાં બેટ દ્વારકાને જોડતા આકર્ષક એવા સુદર્શન બ્રિજ પર અવારનવાર ગરબા શોખીનો તેમજ રીલ પ્રેમીઓ દ્વારા બેજવાબદારી રીતે અડચણરૂપ બની, વિડિયો ઉતારવામાં આવે છે. ત્યારે વધુ એક વખત નોંધાયેલી પોલીસ ફરિયાદમાં અલગ અલગ ચાર યુવતીઓએ સુદર્શન બ્રિજ પર ગરબા રમી, વાહન ચાલકોને અડચણ થાય તેવું કૃત્ય કર્યું હોવાનું પોલીસના ઘ્યાને આવ્યું છે.

     સોશિયલ મીડિયા દ્વારા ઈન્સ્ટાગ્રામ રીલ મારફતે પોલીસને ધ્યાને આવ્યા બાદ ઓખા મરીન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ હકાભાઈ મેર દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં રશ્મિ સોલંકી, રૂષિતા સાંગાણી, મિતલ સોની અને યશ્વી ભાટીયા સાથે અન્ય સંડોવાયેલા મનાતા વ્યક્તિઓએ સુદર્શન સેતુ પર એક વિડીયો બનાવી તેનું રેકોર્ડિંગ કરીને પોતાની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.માં અપલોડ કર્યા હતા. આ વીડિયોમાં આરોપીઓએ ઓખાના સુદર્શન સેતુ પર જાહેર રોડ ઉપર દિવસ દરમિયાન એકબીજા સાથે ગરબા રમી, આવતા-જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને અડચણરૂપ થાય તેવું કૃત્ય કર્યું હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

       આ સમગ્ર પ્રકરણમાં ઓખા મરીન પોલીસે બી.એન.એસ.ની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *