– કરોડો રૂપિયાનો ખર્ચ છતાં શહેર ગંદુ ગોબરું..! –
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી અને કચરાના મુદ્દે થઈ રહેલી વ્યાપક ફરિયાદોના અનુસંધાને આ મહત્વના પ્રશ્ને નગરપાલિકા પ્રમુખે સંબંધિતોની ખાસ બેઠક બોલાવીને જવાબદાર કોન્ટ્રાક્ટરોને ખખડાવી નાખ્યા હતા.
ખંભાળિયા શહેરમાં હાલ ડોર ટુ ડોર કચરા કનેક્શન માટે કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. પરંતુ શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જોવા મળે છે. અને નગરજનોમાં પણ આ મુદ્દે વ્યાપક ફરિયાદો સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.
આરોગ્ય માટે હાનિકર્તા એવા આ કચરાના મુદ્દે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ કણજારીયા દ્વારા આજરોજ કોન્ટ્રાક્ટર તેમજ સેનીટેશન વિભાગના વડા અને સ્ટાફની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારે આ મહત્વના મુદ્દે ગંભીર બેજવાબદારી જણાતા પ્રમુખે કોન્ટ્રાક્ટરો વિગેરેને આકરી ભાષામાં ખખડાવી નાખ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કચરો એકત્ર કરવા તેમજ તેના નિકાલ માટે નગરપાલિકા દ્વારા કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ કચરાનો નિકાલ સુચારૂ રૂપે થતો નથી અને ઠેર ઠેર કચરા કલેક્શનમાં અનિયમિતતા અને ગંદકીની ફરિયાદો મળી રહી છે. જ્યારે અગાઉના વર્ષોમાં નગરપાલિકા તંત્ર દ્વારા પોતાના જ કર્મચારીઓ રાખીને આ કામગીરી કરવામાં આવતી ત્યારે ઓછા ખર્ચે સુવ્યવસ્થિત રીતે કચરાનો નિકાલ થતો હતો.
આટલું જ નહીં, કોન્ટ્રાક્ટરોએ તેમનો કોન્ટ્રાક્ટર મૂકી દેવા પણ તેમણે જણાવ્યું હતું. ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં અગાઉ નગરપાલિકા સામે કોથિત ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા.
અહીંની બિન રાજકીય એવી નાગરિક સમિતિ દ્વારા પણ નગરપાલિકાને આ પ્રશ્ને અવારનવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી.
આમ, હાલ પીવાના પાણી, ઘી નદી તેમજ કચરાના નિકાલના પાયાના મહત્વના પ્રશ્નો માટે નગરપાલિકા પ્રમુખ દ્વારા તંત્રને દોડતું કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં ચોમાસામાં નગરજનોને હાલાકી ન થાય તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
